તાપી : તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસાર લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવી એક ટિપ્પણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરવામાં આવી હતી. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ટિપ્પણી થઈ હતી તે એકાઉન્ટ ધારકની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે.
ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક ટિપ્પણી : આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ગત 4 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં એક ધાર્મિક સમુહ પર થઈ રહેલા અત્યાચારને લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પર એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ધાર્મિક લાગણી દુભાય તેવી એક ટિપ્પણી કરવામાં આવી હતી. જે મામલે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
કોમેન્ટ કરનાર શખ્સ ઝડપાયો : કોમી શાંતિ ડહોળાય તેવી કોમેન્ટ કરનારા વ્યક્તિને વહેલી તકે જેલ હવાલે કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ કોમેન્ટ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી કરાઈ હતી, તે એકાઉન્ટ ધરાવતા અને મૂળ સુરતના જૂના કોસંબામાં રહેતા ઝુબેર શેખની આ ફરિયાદના આધારે સોનગઢ પોલીસ અને સુરત LCB પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી : સમગ્ર મામલે તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું કે, તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે 7 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સ નીચે ઝુબેર શેખ નામની આઈડી પરથી કોઈ અન્ય ધર્મની લાગણી દુભાય તેવી એક બિભત્સ કોમેન્ટ કરવામાં આવી હતી. આ અંગેનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.