તાપી : તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં કોસંબીયા ગામની સીમમાંથી હત્યા કરેલ અજાણ્યાં ઇસમની લાસ મળી આવી હતી. જેને લઈ વાલોડ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કોસંબીયા ગામના સ્મશાન તરફ જતા કાચા રસ્તાની બાજુમાં હત્યારાઓએ લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી ભાગી ગયા હતાં, વાલોડ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ હતો મૃતક યુવક : પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર ઈસમ આરટીઆઇ એક્ટિવિસ્ટ સુધીરભાઈ ચૌધરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મૃતક યુવકની અજાણ્યાં ઈસમો દ્વારા હત્યા કરાયેલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાએ પંથકમાં ચર્ચા જગાવી છે. સામાજિક કાર્યોમાં પણ સુધીર ચૌધરી સમાજ હિતમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યા કેમ કરવામાં આવી અને કોને કરી તે રહસ્ય હાલ તો અકબંધ છે. પોલીસ હત્યારાઓને વહેલી તકે શોધવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.
યુવકની હત્યામાં અંગત લડાઈ હોવાનું અનુમાન : યુવકની હત્યાના પુરાવાઓ નાશ કરવા માટે હત્યા કરાયેલી લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દેવામાં આવી હતી. હાલ હત્યાના કારણોની પ્રાથમિક તપાસ કરવામાં પોલીસ દ્વારા યુવકની હત્યા અંગત લડાઈ હોવાના કારણે કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિવિધ દિશામાં આગળની તપાસ : યુવકની હત્યાના મામલામાં વધુ સચોટ જાણકારી મેળવવા માટે વાલોડ પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.પરધનેએ જણાવ્યું હતું કે વાલોડના કુંભિયા ગામના સુધીરભાઈ ચૌધરી નામના વ્યક્તિની અજાણ્યાં ઈસમો દ્વારા હત્યા કરી પુરાવાઓનો નાશ કરવા લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારા ભાગી ગયેલા છે. હાલ હત્યાની ફરિયાદ નોંધી વિવિધ દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે.