તાપીઃ તાપીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ફરીવાર સામે આવી છે. એક મહિનાના સમયગાળા દરમ્યાન તાપી જિલ્લામાં આ વધુ એક ઘટના બની છે, વાલોડ તાલુકામાં આજથી લગભગ એક મહિના પહેલા લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, ત્યારે હવે પાછી શિક્ષણ જગતને કલંકિત કરતી બીજી ઘટના ઉકાઈ પોલીસ મથક વિસ્તારની એક શાળામાં બની હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં લંપટને દબોચ્યોઃ ઘટના એવી છે કે ઉકાઈ પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક શાળામાં મીનેશ પટેલ નામના શિક્ષક દ્વારા ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર દાનત બગાડી તેને યેનકેન પ્રકારે છેડતી કરી માનસિક રીતે હેરાન પરેશાન કરી વિવિધ પ્રલોભન આપી તેના તાબામાં થવા દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગેની ફરિયાદ આ પીડિત કિશોરીએ તેના પરિવારજનોને કરતા આ લંપટ શિક્ષકની કરતૂતો સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. ઉકાઈ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત ફરિયાદ લઈને આ લંપટ શિક્ષકની અટક કરી વિવિધ કાયદાની કલમો અનુસાર ગુનો નોંધી શિક્ષકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
એક આદર્શ સમાજનું ઘડતર કરનારો શિક્ષક જ જ્યારે તેની મર્યાદાઓ ભૂલી જઇને આવું અધમ કૃત્ય કરે ત્યારે શિક્ષણ જગતને જ નહીં પરંતુ આવા લંપટ શિક્ષકને લઈને સમાજને પણ એક મોટું કલંક લાગે છે. આ મુદ્દે કોઈને કોઈ રીતે આવી ઘટનાનો શિકાર બનનાર પીડિતો બહાર આવે એ જરૂરી થઈ પડ્યું છે. જેથી આવા લંપટોની કરતૂતો બહાર આવે અને તેઓ કાયદાના સકંજામાં આવે. કાયદાની સાથે આવા લોકો સામે કાર્યવાહી થાય.
ધોરણ દસ પાસ કરાવી દેવાની લાલચઃ તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસ આ શિક્ષક બાળાને હેરાન કરી રહ્યા હતા. જેમાં એના બર્થડે ઉપર ગિફ્ટ આપી તેમાં એક પ્રેમપત્ર પણ લખેલો, જેમાં લખેલું કે, હું તને ધોરણ 10 પાસ કરાવી દઈશ, પોતાના રૂમમાં જ્યારે રોટલી બનાવવા આવી ત્યારે હાથ પકડીને જાતીય સબંધની માંગણી કરેલી. એ સિવાય રાત્રે તેના રૂમ પર જઈ અને તેને બહાર નીકળવા માટે ફોર્સ કરેલો અને પોતાના કાંડા ઉપર કાપો મૂકી અને એને દબાણ આપેલું. એક રીતે ધાક ધમકી આપી હતી અને આ રીતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે અને ગઈ રાત્રે અને ધરપકડ કરી આગળની તપાસ ચાલુ છે તેવું તેમણે જણાવ્યું હતું.