ડાંગ: રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીઓનો કલરવ જોવા મળી રહે છે.ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે ઘણી એડવેન્ચર એક્ટિવિટીઓ ચાલી રહી છે. જેમાં પ્રવાસીઓ દિલ ખોલી આસ્વાદ માણી રહ્યા છે. રાજકોટમાં ગેમઝોનમાં બનેલ ગોઝારી દુર્ઘટના બાદ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ દ્વારા વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે સરપ્રાઈઝ મુલાકાત લઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા સમય પૂર્વે તક્ષશિલા કાંડ, બાદમાં મોરબીની બ્રિજ ઘટના અને વડોદરાની હરણી લેક ઘટના સૌ કોઈનાં મન હચમચાવી ચુકી હતી. આવામાં રાજકોટ ખાતે ગેમઝોનમાં આગ લાગતા 27થી વધુ વ્યક્તિઓ આગમાં હોમાયા હતા, જેના પગલે આખુ ગુજરાત રાજ્ય શોકમગ્ન બન્યુ છે.

સાપુતારામાં વિવિધ સાધનોનું ચેકીંગ: રાજકોટમાં બનેલ દુર્ઘટનાનાં પગલે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા પેરાગ્લાયડીંગ,બોટિંગ,એડવેન્ચર પાર્ક સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતુ. સાપુતારા ખાતે ચાલતી એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે ઈક્યુપમેન્ટ સહિત વિવિધ સાધનોની ચેકીંગ હાથ ધરી સંચાલકોને નીતિ નિયમો મુજબ સરકારની ગાઈડલાઈનની સુચનાઓનું પાલન કરવા કડક આદેશ અપાયા હતા. આ સાથે પ્રવાસીઓની સેફટી બાબતે કોઈ ખામી રહે નહીં તેનું ધ્યાનમાં રાખવા બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.

તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિઓ બંધ કરાઇ: ગિરિમથક સાપુતારા ખાતે તંત્રની ટીમ દ્વારા રાબેતા મુજબ દરેક એક્ટિવિટીનાં સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવે છે, અને પ્રવાસીઓની સુરક્ષા બાબતે સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે. સાપુતારા ખાતે વહીવટી તંત્રની કાળજીનાં પગલે અગાઉ પણ કોઈ ઘટના બની નથી. પરંતુ હાલ સાપુતારા ખાતે આવેલ રોપવેનું ફાયર વિભાગ NOC સર્ટિફિકેટ રજૂ ના કરે ત્યાં સુધી બંધ રાખવામાં આવેલ છે. તેમજ સહ્યાદ્રિ એડવેન્ચર પાર્કમાં આવેલ બમ્પર કાર, માછલીઘર અને ગો-કાર્ટ ની પ્રવૃત્તિઓમાં થોડી ક્ષતિઓ જણાઈ આવી હતી, જેથી તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી છે. તેની પૂર્ણતાની પુર્તતા કરતા ચાલુ કરવામાં આવશે અને આવી ગોઝારી દુર્ઘટના ન બને તે માટે તંત્ર કડકપણે કાળજી રાખી રહ્યુ છે. સાપુતારા ખાતે કોઈ પણ ઈજારદાર નિષ્કાળજી બતાવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.