સુરતમાં મોબાઈલના ચક્કરમાં ચાલુ ટ્રેને કૂદી પડ્યો યુવક, જુઓ વાયરલ વીડિયો - SURAT VIRAL VIDEO
સુરતમાં ટ્રેનના દરવાજે બેઠેલા મુસાફરનો મોબાઈલ ચોરે ઝૂંટવી લીધાનો બનાવ બન્યો છે. જોકે, બાદમાં જે બન્યું તે એનાથી પણ ગંભીર હતું. જુઓ આ વાયરલ વીડિયો
Published : Oct 17, 2024, 3:33 PM IST
સુરત : ટ્રેનના દરવાજે બેસીને યાત્રા કરનારા મુસાફરોનો મોબાઈલ ઝૂંટવી લેનાર અસામાજિક તત્વો ફરી બેફામ બની ગયા છે. આ અસામાજિક તત્વો GRP અને RPF ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અગાઉ ઉધના પાસે ટ્રેન ધીમી પડતા મુસાફરોને લૂંટી લેવાની ઘટના બની હતી. હવે સુરત રેલવે સ્ટેશનથી થોડે દૂર આવો જ બનાવ બન્યો છે.
કાળજુ કંપાવતો વિડીયો : એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્રથમ એક શખ્સ ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરી રહેલા કોઈ વ્યક્તિનો મોબાઈલ સ્નેચ કરી છે. ત્યારબાદ જે વ્યક્તિનો મોબાઈલ સ્નેચ થયો તે યુવક અચાનક ચાલુ ટ્રેનમાંથી કૂદી પડે છે. મોબાઈલના ચક્કરમાં મુસાફર ટ્રેનમાંથી કૂદયો ત્યારે જોરથી પટકાયો હતો. તેને કારણે ગંભીર ઈજા પહોંચી હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. મુસાફરની ઓળખ થઈ શકી નથી.
ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચીંગ : આ વીડિયો ક્યારનો છે તે અંગે રેલવે પોલીસ અજાણ છે. ઉપરાંત હજુ સુધી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પણ કોઈ ફરક્યું નથી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ રેલવે પોલીસ હરકતમાં આવી હતી. તેમજ તપાસ શરૂ કરી હતી. જોકે, આ વીડિયોમાં ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે, જે સુમુલ ડેરીથી થોડે દૂર ઉત્રાણ તાપી બ્રીજ હોવાનું જણાઈ રહ્યું છે.
એક્સ્ટ્રા પોલીસ ફોર્સ તૈનાત : વીડિયોએ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની કામગીરીની પોલ ખોલી દીધી છે. દિવાળીના તહેવાર ટાણે મુસાફરોની ભીડ વધી રહી છે. હજુ આગામી દિવસોમાં ભીડ વધશે. ત્યારે મુસાફરોની સુરક્ષા માટે એક્સ્ટ્રા પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે.