સુરત : તહેવારો શરૂ થઈ ગયા છે અને સ્કૂલ-કોલેજોમાં વેકેશન પડી ગયું છે. ખાસ કરીને સુરતમાં વસતા 10 લાખ જેટલા યુપી-બિહારના લોકો દિવાળી તેમજ છઠ પૂજા માટે પોતાના વતન જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 છેલ્લા 60 દિવસથી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે સુરતથી જતી છપરા ભાગલપુર એક્સપ્રેસ ટ્રેન રેલ્વે સ્ટેશનથી રવાના કરવામાં આવી રહી છે.
વતનની વાટે પરપ્રાંતીય લોકો : વતન જવા માટે ટ્રેનમાં બેસવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી રહી છે. આ ભીડ ઉધાન રેલવે સ્ટેશન સુધી સીમિત નથી, પરંતુ રેલવે સ્ટેશનની બહાર પણ એક કિલોમીટર સુધી લોકોની ભીડ જોવા મળી હતી. જેને લઈને તંત્ર દ્વારા માઇકમાં એલાન કરવાની ફરજ પડી હતી. તે સાથે સ્થાનિક પોલીસ, રેલ્વે પોલીસ, સેન્ટ્રલ પોલીસ ભીડને કાબુ કરવામાં અસફળ રહી હતી. આ ભીડમાં નાના છોકરાઓથી લઈ મોટા ઉંમરના વૃદ્ધોની હાલત કફોડી બની હતી.
રેલ્વે સ્ટેશન પર ધસારો : મહત્વની વાત છે કે, ચાલુ ટિકિટ લઈ જનરલ ડબ્બામાં બેસવા વાળા લોકો બે દિવસ પહેલા ટિકિટ લઈ લાઈનમાં ઊભા રહે છે. સરકાર દ્વારા કેટલી પણ વ્યવસ્થા કરવામાં આવે પરંતુ ટ્રેનમાં બેસવા માટે લોકોની હાલત કફોડી બની રહી છે. ગુજરાત સરકાર ST નિગમ માટે નવી નવી અત્યંત આધુનિક બસો લોકાર્પણ કરી રહી છે. તેમાં ગ્રુપ બુકિંગની સુવિધા પણ કરવામાં આવી છે. જોકે, રેલવે તંત્ર દ્વારા આજ દિન સુધી ગ્રુપ બુકિંગની સુવિધા કરવામાં આવી નથી.
એક્સ્ટ્રા ટ્રેન શરૂ કરાઈ : પશ્ચિમ રેલવે દ્વારા 20 દિવસ પહેલાથી જ દિવાળી અને છઠ પુજા માટે યુપી, બિહાર જવા માટે સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ તે ટ્રેનની સમય સારણી લોકો સુધી પહોંચાડવામાં રેલવે તંત્ર અસફળ થયું છે. જેના કારણે આ સમસ્યા થઇ રહી છે. બીજી બાજુ ફરીથી પશ્ચિમ રેલવે દ્વારા અન્ય 7 જેટલી નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.
સુરતથી ઉપડતી ટ્રેનો : બાંદ્રા ગોરખપુર સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર રાતે 3 વાગે આવશે. મુંબઇ બનારસ અઠવાડિયામાં બે દિવસ સુધી ચાલતી હતી, તે હવે અઠવાડિયામાં ચાર વખત જશે. ઉધના બરોની એક્સપ્રેસ ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડશે. ઉધના સુબેદાર ગંજ, ઉધના છપરા, સુરત છપરા અને ઉધના પટના આ ચારે ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી સવારે સાત કલાકથી બપોરે 2 વાગ્યા સુધી એક બાદ એક ઉપડશે.
ઉપરાંત વલસાડ દાનાપુર, ઉધના માલદા ટાઉન, બાંદ્રા માલદા ટાઉન, બાંદ્રા સુબેદાર ગંજ, મુંબઇ બરોની, મુંબઇ કટિહાર, મુંબઈ કાનપુર આ તમામ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન થઈને જશે. બાદમાં અમદાવાદ બરોની જે સુરત રેલ્વે સ્ટેશન થઈને જશે.