સુરતઃ ઉધના પોલીસે 2 લબરમુછીયા પણ રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. આ ગુનેગારો વિવિધ ATMની રેકી કરતા હતા. ATMમાં આવતા મહિલા, વૃદ્ધો, શ્રમિકો અને અશિક્ષિત લોકોને ટાર્ગેટ કરતા હતા. ઉધના પોલીસે આ બંને જણ પાસેથી મોબાઈલ ફોન, ટુ વ્હીલર અને વિવિધ બેન્કોના 31 જેટલા ATM કાર્ડ્સ કબ્જે કર્યા છે. આ ગુનેગારો પાસેથી પોલીસે કુલ 1 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોડસ ઓપરન્ડીઃ સુરતના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં આ ગુનેગારો ગુનો આચરતા હતા. અંકિત અને રિતિક નામના બંને લબરમુછીયાઓ પાંડેસરા અને ડિંડોલી વિસ્તારના ATMની રેકી કરતા હતા. આ બંને ATMમાં આવતા મહિલા, વૃદ્ધો, શ્રમિકો અને અશિક્ષિત લોકોને મદદ કરવાનું કહેતા. મદદ કરવાના બહાને બંને જણા ATM પિન જાણી લેતા હતા. ત્યારબાદ બીજા ATMમાંથી રુપિયા ઉપાડવા પડશે તેમ કહેતા. આ દરમિયાન તેઓ અસલી ATM કાર્ડને બદલે લોકોને બીજુ નકલી ATM કાર્ડ પધરાવી દેતા હતા. ATM ધારકના જતા રહ્યા બાદ તેઓ ATMમાંથી નાણાં સેરવી લેતા હતા. ઉધના પોલીસે આ બંને ગુનેગારોને ઉધનાના રોડ નં.6 પાસે આવેલ બેન્ક ઓફ બરોડના ATM પાસેથી ઝડપી લીધા હતા.
રીઢા ગુનેગારઃ આ બંને ગુનેગારો વિરુદ્ધ અગાઉ પણ પાંડેસરા, ડિંડોલી અને પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી અંકિત વિરુદ્ધ 3 અને રિતિક વિરુદ્ધ 2 ગુના નોંધાયેલ છે. પોલીસે આ બંને ગુનેગારો પાસેથી વિવિધ બેન્કોના 31 ATM કાર્ડ્સ, મોબાઈલ ફોન, ટુ વ્હીલર અને 5 હજાર રોકડા રુપિયા એમ કુલ મળીને 1 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બંને ATM પર રેકી કરીને મહિલા, વૃદ્ધો, શ્રમિકો, અશિક્ષિત લોકોને ટાર્ગેટ કરતા હતા. પાંડેસરા, પલસાણા, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અંકિત વિરુદ્ધ 3 અને રિતિક વિરુદ્ધ 2 ગુના નોંધાયેલ છે. ATMમાંથી પૈસા કાઢવામાં મદદ કરવા બહાને લૂંટતા હતા...ભગીરથ ગઢવી(ડીસીપી, સુરત)