સુરત: જિલ્લાના ડભોલી વિસ્તારમાં વાત્સલ્ય સ્કૂલની વાન પલટી ગઈ હતી. આ વાનમાં ચાર બાળકો તેમજ ડ્રાઈવર સવાર હતા. જે પૈકી બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, સામેથી આવતા કાર ચાલકે સ્કૂલવાનને ટક્કર મારતા વાન પલટી જવાની ઘટના બની હતી.
તમને જણાવી દઈએ કે, વાત્સલ્ય સ્કૂલમાંથી 8 બાળકોને લઈ એક વાન તેમને ઘરે મૂકવા માટે રવાના થઈ હતી. તે સમયે ડભોલી ખાતે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા વાન રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે વાનમાં 4 બાળકો હાજર હતા. આ ઘટનાને પગલે રાહદારીઓએ વાનમાં સવાર બાળકોને બહાર કાઢ્યા હતા. વાન પલટી જતાં વાનમાં સવાર બાળકોને સામાન્ય ઈજા થઈ હોવાથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

આ ઘટના અંગે કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી પોલીસ બોલાવી હતી. જેમાં વાનચાલકની પૂછપરછ કરાઈ હતી. જેમાં સામેથી આવતી એક અન્ય કારચાલકે ઈકો ગાડીને ટક્કર મારી હતી. જેને કારણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા વાન પલટી ગઈ હતી. આ અંગે વાનચાલકે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અન્ય કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે. અને સિંગણપોર પોલીસે કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: