સુરત : શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 13 લાખથી વધુનો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. સાથે જ અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુના રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ રેઇડ : સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાંદેર ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપની પાસે વોચ ગોઠવી હતી. ગત 2 જુલાઈના રોજ જાહેર રોડ પરથી આરોપી અશરફઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 25.370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 2,53,700 થાય છે.
બીજી રેઇડ : બાદમાં પોલીસે રાંદેરના ગોરાટ કોઝવે રોડ SMC ક્વાર્ટર ખાતે આરોપી અશરફઅલી સૈયદના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી પણ પોલીસે રુ. 73,900 કિંમતનું 7.390 ગ્રામ MD મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આમ પોલીસે કુલ 32.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3,86,500 મુદામાલ જપ્ત કર્યો હતો.
ક્યાંથી આવ્યું MD ડ્રગ્સ ? આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, આરોપી આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં NDPS એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી આયાનખાન આયુબખાન પઠાણને પણ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
ત્રીજી રેઇડ : સુરત ક્રાઈમ બ્રાંચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 80.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 8.02 લાખ થાય છે. આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.
જાહેરમાં ડ્રગનો વેપલો : આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પણ રુ. 2.30 લાખની કિંમતના 23.00 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
લાખોના ડ્રગ સાથે ચાર આરોપી ઝબ્બે : આમ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેઇડ કરીને કુલ 136.02 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે. જેની કુલ કિંમત રૂપિયા 13.60 લાખ છે. એમ કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પકડાનાર આરોપીની પોલીસ સમગ્ર ચેઇન તોડવામાં લાગી છે. આરોપી પકડાયા બાદ કે કોને કોને ડ્રગ સપ્લાય કરતા હતા અને ક્યાંથી લાવ્યા હતા તે તમામનું પગેરું ગોતી તેમની પણ ધરપકડ કરાઈ રહી છે.