સુરત : કહેવાય છે કે, ગુનેગાર ગુનો કરીને ભૂલી જતો હોય છે. પરંતુ કાયદો તેને ક્યારેય છોડતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તેમ 26 વર્ષ અગાઉ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફેક્ટરીના વોચમેનની હત્યા કરીને લૂંટ ચલાવવાના કેસમાં સામે આવી છે. 26 વર્ષથી નાસતા ફરતાં આરોપી પર 10 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ આરોપીને ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના કુખ્યાત ગણાતા દદુઆ ડાકુના વિસ્તારમાંથી જોખમી રીતે પકડી લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો: 26 વર્ષ અગાઉ આરોપી ઉત્તમકુમાર જેતપુર વિસ્તારમાં ટાઈલ્સના કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન વતનના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતાં અન્ય બે વ્યક્તિ સાથે ભેગા મળીને શેઠના કારખાનામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન વોચમેન આવી જતાં તેના હાથ પગ બાંધી દઈને પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો જેથી તેનું મોત થયું હતું. ત્યારબાદ આરોપીઓ વતન ઉત્તરપ્રદેશ નાસી ગયા હતાં અને ત્યાંથી દિલ્હી ખાતે જઈને મજૂરી કરવા લાગ્યા હતાં. આરોપીઓ પોલીસના ડરથી અલગ-અલગ રાજ્યોમાં જઈને મજૂરીકામ કરતાં હતાં. કોઈ એક સ્થળે વધુ રોકાતા નહોતા. જો કે, આટલા વર્ષો વિતી ગયા હોવાથી તેમને હવે એમ હતું કે, પોલીસ શોધશે નહી એટલે વતન આવીને રહેવા લાગ્યા હતાં.
26 વર્ષથી હતો વૉન્ટેડ: પીસીબીના પીઆઇ રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે, 26 વર્ષથી વોન્ટેડ આરોપી મીતલેશ ઉર્ફે ઉત્તમકુમાર ગયાપ્રસાદ પટેલ તેના વતનમાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ટીમ બનાવીને આરોપીને ઉત્તરપ્રદેશના ચિત્રકુટ વિસ્તારમાં દદુઆ ડાકુના વિસ્તારમાં મોકલવામાં આવી હતી. જ્યાંથી જોખમી રીતે ઉત્તમકુમાર નામના આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.