સુરત : બાળકી સાથે દુષ્કર્મનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં ઘરની બહાર પાડોશીના ઘરે અજાણી વ્યક્તિની ચંપલ પડેલી જોતાં પાડોશી દંપતિએ ખાતરી કરવા બારીની ફાટમાંથી અંદર નજર કરતાં તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. નવ વર્ષીય બાળકી સાથે તેની ફોઇનો 19 વર્ષીય પુત્ર દુષ્કર્મ કરતો હોવાનું દેખાયું હતું. દંપતિએ ત્વરિત બાળકીના પિતાને ફોન કરી તેડાવતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
નવ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ : આ અંગે મળતી માહિતી અનુસાર ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા દંપતિ તેના વતન જવા માટે ટિકિટ બુક કરવા ગયા હતા. સાંજે છ વાગ્યાના અરસામાં ઘરે પરત આવ્યા ત્યારે જોયું કે પાડોશીના ઘરની બહાર એક જોડી ચંપલ પડી છે. પાડોશી દંપતિ શાક-બકાલુ ખરીદવા બહાર ગયા હતા અને ઘરમાં તેમની નવ વર્ષીય પુત્રી તથા સાત વર્ષીય પુત્ર એકલો જ હોવાનું જાણવા મળ્યું હતું.
પિતરાઈએ કર્યું કૃત્ય : બંને બાળકો સિવાય ત્રીજું કોઈ ઘરમાં હોઇ શકે તે ચકાસવા બારીની ફાટામાંથી અંદર નજર કરતાં તેઓ ચોંકી ગયા હતા. પાડોશીની નવ વર્ષીય બાળકી સાથે આગંતુક દુષ્કર્મ કરી રહ્યો હતો. ધ્યાનથી જોતાં આ શખ્સ પાડોશી યુવકની બહેનનો જ પુત્ર હતો.
12 વર્ષીય આરોપી ઝડપાયો : દંપતિએ પાડોશીને ફોન કરતાં તેઓ દોડી આવ્યા હતા. પોતાનું કૃત્ય જાહેર થયાનું જાણી યુવક ત્યાંથી ભાગી છૂટયો હતો. બાળકીને લઈ પિતા ચોકબજાર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતાના ભાણેજ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ આપી હતી. પોલીસે ટીમ દોડાવી 19 વર્ષીય આરોપીને કાપોદ્રાથી દબોચી લીધો હતો. ઇન્સ્પેક્ટર વી. વી. વાગડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.