સુરત : ગુજરાતના શિક્ષણ જગતમાં ગોંડલ અને આણંદની ઘટનાઓએ ચકચાર મચાવી. બન્ને પ્રકારની ઘટના વાલીઓ માટે તો ચિંતાજનક જ છે. આ ઘટનાને લઇ શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએે સુરતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે બાળકોને મોટીવેશનલ કાર્યક્રમ કરી માનવતા આવે આ માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. એટલું જ નહીં, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના કિસ્સામાં તેઓએ તપાસના આદેશ આપ્યા છે.
શિક્ષણપ્રધાનનું નિવેદન : ગોંડલમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો વિવાદ અને રેગિંગ મામલે શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ઘટના ચિંતાજનક છે. બંને વિદ્યાર્થીઓએ એકબીજાને માર માર્યા છે. બન્ને વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષ કરતાં ઓછી છે. ઘટના બાદ કાયદાકીય પ્રક્રિયા થઈ છે. એફઆઇઆર પણ કરવામાં આવી છે.
આવી ઘટનાને રોકવા માટે અમે પ્રયત્નશીલ છીએ. બાળકો માનવતા શીખે આ માટે ખાનગી, સરકારી શાળાઓ અને હોસ્ટેલમાં મોટીવેશનલ કાર્યક્રમો મહિનામાં એક વખત થાય આ માટે અમે પ્રયાસ કરીશું...પ્રફુલ પાનસેરીયા ( શિક્ષણપ્રધાન )
શિક્ષક સામે તપાસના આદેશ આપવામાં આવ્યાં : આણંદમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવા મામલે તેઓએ જણાવ્યું હતું કે ઘટના અંગે જાણ થતાં આજે રજા હોવા છતાં નિયામક સાથે વાત થઈ છે અને યોગ્ય પગલાં ભરવા જાણવામાં આવ્યું છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ગંભીર બાબત છે જે માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા થશે તે ચોક્કસથી કરવામાં આવશે.
બે ઘટનાઓને લઇ ભારે ચર્ચા : આપને જણાવીએ કે ગોંડલમાં રેગિંગની ઘટના અને આણંદમાં શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સોશિયલ મીડિયા સહિત ભારે ચર્ચાસ્પદ બની છે. ત્યારે સુરતમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાને પૂછવામાં આવતાં તેમણે તમામ શાળાઓ અને હોસ્ટેલમાં મોટિવેશનલ કાર્યક્રમ કરી બાળકોને માનવતાના પાઠ ભણાવવાની વાત કરી હતી.