સુરતઃ વેડરોડ વિસ્તારમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટમાં લિફ્ટ અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં લિફ્ટ સીધી જ 4થા માળેથી ગ્રાઉન્ડ ફલોર પર ધડાકાભેર પટકાઈ હતી. આ અકસ્માતમાં 1 મહિલા સહિત કુલ 3 જણ ઘાયલ થયા હતા. ફાયર વિભાગે ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ફરીથી થયો લિફ્ટ અકસ્માતઃ સુરત શહેરમાં ફરી એક વખત લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ વખતે વેડ રોડ વિસ્તાર ખાતે બની છે. મોતી પેલેસ એપાર્ટમેન્ટના લોકો જ્યારે સવારે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ લિફ્ટ 4થા માળેથી નીચે ફટકાઈ હતી. બુધવારે આ ઘટના બની હતી અને હાલ સીસીટીવી ફૂટે સામે આવ્યા છે. લિફ્ટની અંદર લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે 1 મહિલા અને 1 બાળકી પહેલાથી જ લિફ્ટમાં છે અને 2 લોકો ફોન પર વાત કરતા લિફ્ટની અંદર પ્રવેશ કરે છે.
ઉપકરણ પણ તૂટી ગયાઃ મહિલા જ્યારે વ્યક્તિ સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક જ લિફ્ટ વાયબ્રેટ થવા લાગી હતી. ત્યારબાદ લિફ્ટ 4થા માળેથી સીધે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જેના કારણે લિફ્ટની અંદર લગાડવામાં આવેલા ઉપકરણ પણ તૂટી ગયા હતા અને સાથે સીસીટીવી કેમેરા પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.
![કુલ 3 ઈજાગ્રસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-04-2024/21329000_b_aspera.jpg)
ફરિયાદ પણ કરીઃ આ સમગ્ર દુર્ઘટના મામલે એપાર્ટમેન્ટના પ્રમુખ મિથુન ટેલરે જણાવ્યું હતું કે, રવિવારે 3 કલાક સુધી આ લિફ્ટ રીપેર કરવામાં આવી હતી. બુધવારે સવારે જ્યારે એપાર્ટમેન્ટમાં રહેતા બંને ભાઈઓ લિફ્ટથી ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ તૂટી ગઈ હતી. જેના કારણે બંને ભાઈઓને ઇજાઓ થઈ જાય સાથે લિફ્ટમાં 1 મહિલા પણ હતી જે અહીં ઘરે કામ કરવા માટે આવે છે તેમને પણ ઈજા થઈ હતી. અમે વારંવાર લિફ્ટ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ બિલ્ડરે ધ્યાન આપ્યું નહોતું. આ બિલ્ડીંગ બનીને 2 વર્ષ થયા છે. ફાયર સેફટી સહિત અન્ય સાધનો નથી.
ધુમાડાને લીધે તકલીફઃ ઈજાગ્રસ્ત થયેલા વૃશાલીબેને જણાવ્યું હતું કે, હું લિફ્ટમાં હતી ત્યારે અચાનક જ લિફ્ટ નીચે પડી ગઈ જેના કારણે અમને ઈજા થઈ છે. અંદર ધુમાડા થઈ ગયા અને માટી આવી ગઈ હતી. પાવર પણ નહોતો.
ઈજાગ્રસ્ત સારવાર હેઠળઃ ફાયર બ્રિગેડ તરફથી મળતી માહિતી મુજબ બુધવારે બનેલી આ ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાં પહોંચીને આ તમામ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. જેમાં એપાર્ટમેન્ટમાં રહેતા 2 લોકોને ઈજા થઈ હતી 1 હાલ હોસ્પિટલમાં છે અને બીજાને સારવાર આપી ઘરે મોકલી આપવામાં આવ્યા છે.