સુરત : સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ પ્રવેશપાર્ક વિસ્તારમાં ધાબા પર રમી રહેલા બે બાળકોને વીજ કરંટ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બંને બાળકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સાત વર્ષીય બાળકનું મોત થયું હતું. જ્યારે બીજા બાળકની સારવાર ચાલી રહી છે.
મૂળ બિહારનો પરિવાર : મૂળ બિહારના ભભૂઆ કૈમૂર જિલ્લાના વિનોદ સાંબલી બિંદે પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી સુરત જિલ્લાના પલસાણામાં સ્થાયી થયો છે અને અહી તેઓ મિલમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ હાલ પલસાણાના પ્રવેશ પાર્ક વિસ્તારના આશાપુરા કોમ્પ્લેક્સમાં દેવીલાલ કનૈયાલાલ ખાટીકની બિલ્ડીંગ વિભાગ બી રૂમ નંબર 24,30માં રહે છે.
રમતા રમતા રીબીન હાઈટેંશન લાઈનને અડી ગઈ : તેમનો સાત વર્ષીય પુત્ર અંકુશ પાડોશીના પુત્ર ક્રિષ્ના રામજી બિંદે (ઉ.વર્ષ 12) સાથે સોમવારે સાંજે ધાબા પર રમવા માટે ગયો હતો. આ સમયે કોઈ વજનદાર વસ્તુ રીબીન જેવી વસ્તુ સાથે બાંધીને નજીકથી પસાર થતી હાઇટેન્શન લાઇન કે જેમાં વીજ પ્રવાહ ચાલુ હતો. તેના પર ફેંકયું હતું.
ધડાકો થતા લોકો દોડ્યા : રીબીન હાઇટેન્શન લાઇનને અડીને જતાં જોરથી ધડાકો થયો હતો અને બંને બાળકોને જોરદાર કરંટ લાગ્યો હતો. અવાજ આવતા જ સ્થાનિક લોકો ધાબા પર પહોંચી બંને બાળકોને નીચે ઉતાર્યા હતાં. બાળકોને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારના રોજ ચાલુ સારવાર દરમ્યાન અંકુશ વિનોદ બિંદેનું મોત થયું જતું. જ્યારે ક્રિષ્નાની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતકની માતાની જાણવાજોગ લઈને અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
કાલે સાંજે પાંચ વાગ્યે અચાનક બિલ્ડીંગના ધાબા પર ધડાકો થતાં અમે ઉપર જઈને જોયું તો બે નાના બાળકો ત્યાં હતાં અને ગંભીર રીતે દાઝેલા હતાં. તેમને તરત નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયાં હતાં. એમના હાથમાં દોરા અને રીબીન તેમજ પંખાનું કેપેસીટર જેવી વસ્તુ હતી જેનાથી તેઓ રમી રહ્યાં હતાં...રણજીત મેવાડા (સ્થાનિક)
અકસ્માત મોતની નોંધ લેવાઇ : આ અંગે તપાસકર્તા અધિકારી એ.એસ.આઈ. મુકેશ વેલજીએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે ધાબા પર રમતી વખતે બે બાળકોને કરંટ લાગ્યો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકનું મોત થયું હતું. હાલ અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.