સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું. ઉધના પોલીસે જ્યારે CCTV ફૂટેજ તપાસ્યા તો બાળક એકલો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. આટલું જ નહીં તે રેલવે સ્ટેશનની અંદર ગયો અને ટ્રેનમાં ચડી ગયો હતો. જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો. આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. આખરે આ બાળક ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો.
ઉધનાથી નંદુરબાર પહોંચી ગયો બાળક: રમતા રમતા આ બાળક ઉધનાથી 170 કિલોમીટર દૂર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો. જો કે, ઉધના પોલીસ, રેલવે પોલીસ વગેરેના સહિયારા પ્રયાસથી આ બાળક સહી સલામત પરિવારને મળ્યું હતું. ઉધના પોલીસે તેના માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યુ હતું.
પોલીસે 4 ટીમો બનાવીઃ ઉધના વિસ્તારમાંથી 8 વર્ષીય બાળક રમત રમતમાં ટ્રેનમાં બેસીને નંદુબાર પહોંચી ગયો હતો. બાળકના પરિવારે ઉધના પોલીસને સત્વરે જાણ કરી હતી. ઉધના પોલીસને જાણકારી મળતા જ બાળકની શોધખોળ માટે 4 ટીમ બનાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી. જેમાં આ બાળક એકલું રેલવે સ્ટેશન પર જોવા મળ્યું હતું. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો.
બાળક મળતા પોલીસે લીધો રાહતનો શ્વાસ: ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો.
સિલાઈ મશીનનું ખાતું હતું ત્યાં પોતાનો પુત્રને લઈને એક ભાઈ આવ્યા હતા. જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો. ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત ચાર ટીમો બનાવી હતી. નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ખબર પડી કે, બાળક રેલવે સ્ટેશન બાજુ છે...ભગીરથ ગઢવી(ડીસીપી, સુરત)