સુરત: જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર કોઈપણ પ્રકારની રોકટોક વગર બિન્દાસ્ત પુરઝડપે દોડી રહેલ યમ રૂપ વાહનો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે અને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બે હિટ એન્ડ રનની ઘટના બની છે. કોસંબા પોલીસની હદમાં બનેલ આ ઘટનામાં એક આધેડ અને એક યુવકનું મોત નિપજ્યું છે. બન્ને ઘટનામાં પોલીસે ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પીપોદરા પાસે અજાણ્યા વાહને એક કામદારને અડફેટે લીધો: પ્રાપ્ત માહિતી અનુસાર પીપોદરા કંપનીમાં કામ કરતા કામદાર મુકેશકુમાર રામમનોહર નિશાદ ધામરોડ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી હાઇ સ્પીડમાં આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે મુકેશકુમારને અડફેટમાં લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી અકસ્માતની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. જોકે ઉપરોક્ત અકસ્માતમાં મુકેશકુમારને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોસંબા હાઇવે પર બીજો કેસ: પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની સામે નેશનલ હી 48 ઉપરથી વેસ્મા ગામનાં 60 વર્ષીય મોહંમદ હનીફ પાંચભાયા એક્ટીવા નંબર જીજે-21-બીએન-6279 લઇને પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફેટમાં લીધો હતો. પરિણામે અકસ્માત સર્જાતાં ચાલક વાહન લઈને ફરાર થઇ ગયો હતો. જોકે અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: