સુરત: એલસીબી પોલીસે કીમ ચોકડી નજીક નવાપરા ગામે ટ્રકમાં કોલસાની આડમાં લઇ જવાતો 4 લાખ 23 હજાર કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, પોલીસે કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ બે લોકોની અટકાયત કરી ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા.
દારુના ટ્રકની પોલીસને જાણકારી મળી: પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રક નં.જીજે-06-જીસી-8789 નો ચાલક પોતાની ટ્રકમાં કોલસાની બોરીયોની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી અંક્લેશ્વરથી કીમ ચોકડી થઈ સુરત તરફ જતો હોવાની એલસીબી પોલીસને જાણકારી મળી હતી. હરકતમાં આવેલા એલસીબી પીઆઈ આર.બી.ભટોળનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ઉપરોક્ત જાણકારી અનુસાર સ્થળ પર જઈ કોસંબા પોલીસની હદમાં આવેલ નવાપરા નજીક વોચ ગોઠવતા ઉપરોક્ત ટ્રક ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવ્યો.
19 લાખથી વધુનો મુદ્દામાલ: ચાલક અને ક્લિનરને સાથે રાખી અંદર તપાસ કરતા પોલીસને ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં પોલીસે બનાવનાં સ્થળેથી ૪ લાખ ૨૩ હજાર કિંમતની વિદેશી દારૂની ૧૭૬૮ નંગ નાની મોટી બોટલો, ૧૫ લાખ કિંમતની ટ્રક,11 હજાર કિંમતનાં ત્રણ મોબાઇલ, 1100 રોકડા મળી પોલીસે 19,35,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ હાલ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને રાજસ્થાનનાં ભીલવાડા જીલ્લાના રામનારાયણ સોહનદાસ વૈષ્ણવ અને લાદુરામ હનુમાનદાસ વૈષ્ણવની અટકાયત કરી હતી.
કુલ ૪ લોકોને વોન્ટેડ જાહેર કર્યા: આ ઘટનામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર આરોપી, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી, સોપુરા આસીન્દથી માલ ભરાવનાર આરોપી અને કીમ ચોકડીથી પાઇલોટીંગ કરનાર બાઇક ચાલક આમ પોલીસે કુલ ૪ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દરેક આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.