સુરત: સોશિયલ મીડિયાના આ સમયમાં જ્યાં યુવાનો રીલ અને બ્લોક બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે ત્યારે સુરતના શિક્ષિત યુવાનો ભજન અને ધુન કરી ગંગા સ્વરૂપ એટલે કે વિધવા મહિલાઓની મદદ કરતા નજરે પડ્યા છે. ડોક્ટર, એન્જિનિયર અને વકીલ, કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે સંકળાયેલા અને કોલેજના શિક્ષિત યુવાનો સહિતના યુવાનો એકત્ર થઈ અનેક સોસાયટીઓમાં ભજન કરવા જાય છે અને જ્યારે તેઓ હાથમાં મંજીરા લઈ ધૂન અને ભજનમાં તલ્લીન હોય છે ત્યારે તેમની ઉપર નોટોની વર્ષા થાય છે. શ્રી મારુતિ ધૂન યુવા મંડળ સાથે સંકળાયેલા 330 જેટલા યુવાનો ભજન અને ધૂન કરવા માટે સુરત સહિત ગુજરાતના અનેક સ્થળો પર જાય છે અને જે પણ રાશિ એકત્ર થાય છે તે 3800 થી પણ વધુ વિધવા બહેનોને અનાજ કીટ સહિત અન્ય સહાય માટે આપે છે.
વાતાવરણ ભક્તિમય બની જાય: હાથમાં મંજીરા અને સતત ભજન કરતા આ મંડળમાં નાના બાળકથી લઈ યુવાનો સામેલ છે. જ્યારે તેઓ ભજન કરે છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે. ભજન અને ધૂન કરી જે પણ રાશિ એકત્ર થાય છે તેનાથી તેઓ ગંગા સ્વરૂપ મહિલાઓને અનાજ કીટ આપે છે અને અન્ય સામાજિક કાર્ય કરે છે. સૌથી અગત્યની વાત છે કે આ ભજન-ધૂન કરવા માટે તેઓ કોઈની પાસેથી એક રૂપિયા લેતા નથી.
કેવી રીતે યુવાનો ભગીરથ કાર્યમાં જોડાયા: શ્રી મારુતિ ધૂન યુવા મંડળની શરૂઆત 20 વર્ષ પહેલાં થઈ હતી. અંજનીપુત્ર હનુમાન મંદિરે આરતી કરવામાં આવતી હતી, ત્યારે આરતીમાં નગાડા વગાડવા માટે બાળકો લાઈનમાં ઊભા રહેતા હતા. બાળકો હંમેશા ઉત્સાહિત રહેતા હતા કે નગાડા વગાડવા માટે તેમનો વારો આવશે. ત્યાંથી જ મારુતિ ધૂન મંડળની શરૂઆત થઈ. નગાડા બાદ તબલા અને મંજીરા લઈને બાળકો પહોંચી જતા હતા. આ બાળકોમાંથી કોઈ પણ બાળક ક્યાંક પણ શીખવા ગયો નથી. ત્યાં જ આપોઆપ બાળકોએ ધૂન અને ભજન શીખી લીધા. ત્યારબાદ દરેક પર્વ હનુમાન મંદિર પર ભજન ધૂન મોટા પ્રમાણમાં કરતા હતા. ઉત્સવ માટે રાશિ એકત્ર કરવા માટે દરેક અગિયારસ કોઈપણ સોસાયટીમાં ધૂન અને ભજન કરતા હતા. 20 વર્ષ પહેલા ધૂન અને ભજનથી તેઓ 201 રૂપિયા એકત્ર કરી લેતા હતા. સોસાયટીમાં ગંગા સ્વરૂપ બહેન રહેતા હતા, તેમના પુત્રની શાળાની ફી ભરવાની હતી જે તેમની પાસે નહોતી. ગંગા સ્વરૂપ બહેને આ મંડળી સાથે વાત કરી ત્યારે તેમને લાગ્યું કે મંડળ ઉત્સવ માટે ભજન કરી રાશિ એકત્રિત કરે છે તેઓ આ રાશિમાંથી તેમના બાળકની ફી માટે પૈસા આપશે. તો પુત્ર પરીક્ષા આપી શકશે અને ત્યારથી ગંગા સ્વરૂપ બહેનો માટેની મદદની શરૂઆત આ મંડળ દ્વારા કરવામાં આવી.
3800 ગંગા સ્વરૂપ બહેનોને મદદ: શ્રી મારુતિ ધૂન યુવા મંડળના પ્રમુખ યોગેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે, જે ગંગા સ્વરૂપ બહેનો છે અને નિરાધાર છે. તેમના નાના બાળકો હોય છે. એમને અમે અનાજ કીટનું વિતરણ કરીએ છીએ. 3800થી પણ વધુ કીટ અમે આપી દીધી છે. મૂંગા અબોલા પશુ પક્ષીઓ ખાતે ઘાસચારાની પણ સેવા આપીએ છીએ. અમારી સાથે 330 જેટલા સભ્યો જોડાયેલા છે. જેમાં બિઝનેસમેન, વકીલો, ડોક્ટર, એન્જિનિયર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સામેલ છે.