સુરત : ડીંડોલી બિલીયાનગરમાં ધોળે દિવસે 25 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ત્રણ શખ્સોએ ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખ્યો હતો. મૃતકની બહેનના જૂના પ્રેમ પ્રકરણના વિવાદમાં આ હત્યા થયાની આશંકા વચ્ચે પોલીસે ત્રણેય હુમલાખોરોને દબોચી લીધા હતાં. હત્યા કરાવવાની જેની ઉપર શંકા છે તે અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.
હત્યામાં સગીરોએ સાથ આપ્યો : મૂળ બિહારનો વતની અને હાલ નવાગામ ડીંડોલી ગણપતિ ધામ સોસાયટીમાં રહેતો 28 વર્ષીય વિશાલ ઉર્ફે અતુલ વિનોદ સોની (યાદવ) ઘર નજીક આવેલી જ્ઞાન ભારતી સ્કુલની ગલીમાંથી પોતાની બંધ પડેલી બાઇકને ધક્કો મારતો લઈ જઈ રહ્યો હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતો આનંદ ઉર્ફે કાલુપૂરે રમાશંકર યાદવ બે સગીર સાગરિતોને લઇ ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડ્યો હતો. બેરહેમીપૂર્વક ઘા મારી આ ત્રણેયે અતુલને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેતાં આખો વિસ્તાર આતંકિત થઈ ગયો હતો.
હત્યારાને પકડી લેવાયા : હત્યાની ઘટના પ્રકાશમાં આવતાં ડીંડોલી પોલીસ તથા ડી.સી.પી. ભગીરથ ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે આ હુમલામા શામેલ બંને સગીર અને આનંદ યાદવને દબોચી લીધા હતા.
બહેનના પ્રેમ પ્રકરણમાં આ હત્યા થયાની આશંકામાં હત્યા : આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, આ હુમલા સાથે સંકળાયેલાં મૂકેશ ભનુ મીર અને ગોપાલ ભનુ મીરને વોન્ટેડ જાહેર કર્યા હતા. બે દિવસ પહેલાં પણ અતુલ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં આ હત્યા કરી દેવાઇ હતી. અતુલની બહેનના પ્રેમ પ્રકરણમાં આ હત્યા થયાની આશંકા પણ પોલીસની તપાસમાં વ્યક્ત કરાઇ હતી. ઈન્સપેક્ટર આર.જે. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.