સુરતઃ ઓલપાડ ટાઉન ખાતે રહેતા હળપતિ સમાજના પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતે લડાઈ સાથે થતા આવેલા ઘર કંકાસમાં વહેલી સવારે પતિએ અચાનક આવેશમાં આવીને પત્નીને માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે બાદ પોતે ઝેરી દવા પીને પાણીની ટાંકી પર ચઢી જઈ પડતું મુકી આત્મહત્યા કરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે મામલાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઓલપાડ ટાઉનના મોટા હળપતિવાસ ખાતે ધનસુખભાઇ કેશવભાઈ રાઠોડ ઉ.વ 47 અને તેની પત્ની લક્ષ્મીબેન ધનસુખભાઇ રાઠોડ ઉ.વ 43 મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની દીકરી તેજલબેન રવિભાઇ રાઠોડના લગ્ન ઓલપાડ ટાઉનના ટેકરા ફળિયા ખાતે રહેતા રવિભાઈ વીજેશભાઈ રાઠોડ સાથે થયા હતા. તે સાસરીના ઘરે રહેતી હતી પણ રવિવારે પિયરમાં આવીને પિતાના ઘરે રોકાઈ હતી.
વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેજલબેન જાગીને બાથરૂમ ગયા તે વખતે તેના પિતા ધનસુખભાઇ પણ જાગી ગયા ત્યારે તેજલબેન બાથરૂમમાંથી બહાર આવતી વખતે તેમની મા લક્ષ્મીબેન જોરથી બૂમ મારતા તેજલબેન અવાજની દીશામાં દોડ્યા. ત્યાં જઈને જોયું તો ધનસુખભાઈ પત્ની લક્ષ્મીબેનના માથામાં કુહાડીના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં બેડ પર પડેલી હતી અને ધનસુખભાઇ હાથમાં કુહાડી લઈને બાજુમાં ઊભો હતો. ત્યાં આવેલા તેજલબેન પર તેની નજર પડતા તે કુહાડી મૂકીને ઘરની બહાર ચાલ્યો ગયો. જ્યારે માતાને લોહી લુહાણ હાલતમાં જોઈને ગભરાઈ ગયેલા તેજલબેન તેની પડોશમાં રહેતા લોકોને બોલાવી લાવી ફોર વ્હીલર ગાડીમાં લક્ષ્મીબેનને સારવાર માટે હોસ્પિટલ લઈને ગયા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ત્યારે થોડી વારમાં ફળિયામાં રહેતા લોકોએ હોસ્પિટલ આવેલા તેજલબેનને જાણ કરી હતી કે, તેમના પિતા ધનસુખભાઇ કોઈ ઝેરી દવા પીને તેમના ફળિયા નજીક આવેલી પાણીની ટાંકી ઉપર ચઢીને નીચે કૂદી ગયા છે. તેજલબેન તેના મોટા ભાઈ અને નાની બેન સાથે ઘટના સ્થળે પહોંચી પિતાને સારવાર માટે હોસ્પિટલમાં લાવતા તેમને પણ ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા. આમ પતિ પત્ની વચ્ચેના ઝઘડાથી થતા આવેલા કંકાસના કારણોસર પત્નીને માથામાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ ખુદ પતિએ પણ ઝેરી દવા પી પાણીની ઊંચી ટાંકી પર ચઢીને નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.