સુરત : માંગરોળ તાલુકાના છમુછલ ગામે આવેલી ઓરીલોન કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતાં રાજુ મંડલને 7મી ફેબ્રુઆરીએ રાત્રિના સમયે બે અજાણ્યા ઈસમએ કંપની બહાર પેટના ભાગે માર મારી ગાળો આપી હતી. સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે પેટમાં ગંભીર ઈજા પહોંચતાં રાજુ પોતાના મિત્ર ધર્મેન્દ્રની મદદથી પહેલાં પોતાના ઘરે ગયો હતો અને બીજા દિવસે પેટમાં વધુ દુ:ખતા ફરી મિત્ર ધર્મેન્દ્રની મદદથી સુરત સિવિલમાં સારવાર માટે દાખલ થયો હતો. જ્યાં 11મીની વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
હત્યામાં પલટાયો કેસ : જેથી પોલીસે તેનું પીએમ કરાવતાં પીએમમાં પેટમાં પહોંચેલી ગંભીર ઈજાને કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. કોસંબા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી મારામારીની ઘટનાની ફરિયાદમાં હત્યાનો ગુનો નોંધવા માટે કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. બીજી બાજુ રાજુ મંડલને ઢોર માર મારનારાને ઝડપી પાડવા કોસંબા પોલીસે કમર કસી હતી.
કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે હત્યારાના ઝડપી લીધો : કોસંબા પોલીસે આ ગુનાના આરોપી આકાશ આનદા પાટિલને ચોક્કસ બાતમીના આધારે દબોચી લીધો હતો. કોસંબા પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેઓએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. કોસંબા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી. વી. રાણાએ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 323,504,506(2) અને 302 નોંધવામાં આવી છે. આરોપી વિરૂદ્ધ હાલ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો મામલો : માંગરોળ તાલુકાના છમુછલ આવેલા ઔદ્યોગિક એકમોમાં આવેલી ઓરીલોન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા રાજુ મંડળને તારીખ સાતમીએ રાત્રિના 08:30 વાગ્યા સુમારે બે અજાણ્યા ઈસમો એ કંપનીની બહાર પેટના ભાગે માર મારી ગાળો આપી જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અજાણ્યા બે ઇસમો દ્વારા રાજુ મંડળને માર મારવામાં આવતા તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને રાત્રિના સમયે તેણે પોતાના મિત્ર ધર્મેન્દ્ર શાહને ફોન કરી તેને કંપની પાસે લેવા માટે બોલાવ્યો હતો.