સુરત : પંડોળમાં ઘર સામે રમતી ચાર વર્ષીય બાળકીનું ચોકલેટની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી અંકિત ગૌતમ વિરુદ્ધ ઝડપથી ન્યાયિક પ્રક્રિયા ચલાવી શકાય તે માટે ચોકબજાર પોલીસે 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. આ સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે અપીલની તૈયારી પણ કરી છે.
સીસીટીવીમાં દેખાયો આરોપી : પોલીસે આ કેસમાં ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટ ઉપર ભાર મૂક્યો હતો. એફએસએલ પાસે કરાયેલા ટેસ્ટનાં વિવિધ સેમ્પલ્સને પણ પુરાવા તરીકે મૂક્યા છે. ઘટનાની રાત્રે સાડા હું આઠેક વાગ્યાના અરસામાં પંડોળ વિસ્તારમાં ચાર વર્ષની બાળકી તેના ઘર બહારથી ગુમ થઈ હતી. અગિયારેક વાગ્યાના અરસામાં બાળકી વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે રોડ પર નગ્ન અને ગુપ્ત ભાગેથી લોહીલુહાણ અવસ્થામાં મળી આવી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતાં પીળું ટીશર્ટ, કાળુ પેન્ટ અને ટોપી પહેરીને આવેલો શંકાસ્પદ યુવક બાળકીનું અપહરણ કરી જતો દેખાઇ આવ્યો હતો.
400 પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેક્નોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ છે તે સાબિત કરવા ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી. આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનું સુરત અને ગાંધીનગરની એફએસએલનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ટેસ્ટને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને સાંયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે...વિશાળ વાઘડીયા ( પીઆઈ, ચોકબજાર પોલીસ સ્ટેશન )
દુષ્કર્મ કેસમાં માત્ર 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ : ચોકબજાર પોલીસ મથકના ઇન્સ્પેકટર વિશાળ વાઘડીયાએ જણાવ્યુ હતુ કે, પંડોળમાંથી જ હવસખોર 27 વર્ષિય અંકિત ઓમપ્રકાશ ગૌતમની ધરપકડ થઈ હતી. આ કેસ ઝડપથી ચાલે તે માટે બનાવાયેલી એસઆઇટીએ 13 દિવસમાં જ ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી હતી.