સુરત: પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ શ્રીનિવાસ ગ્રીનસિટીના ખોડલ પેલેસ વિભાગ 1માં બાલાજી રેસિડેન્સી કોમ્પ્લેક્સના નીચેના ભાગે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર ઉપર સોસાયટીમાં જ રહેતા બે ભાઈઓએ ચપ્પુથી હુમલો કરતાં પુત્રનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જ્યારે પિતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પિતા-પુત્ર કરિયાણાની દુકાન ચલાવતા હતા: મૂળ ચલથાણના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ શ્રીનિવાસ ગ્રીનસિટીમાં આવેલ ખોડલ પેલેસ વિભાગ 1 નજીક આવેલ બાલાજી રેસિડેન્સી કોમ્પ્લેક્સના ભોંય તળિયા ઉપર અનાજ કરિયાણાની દુકાન ચલાવતા રાકેશ ગુણવંતભાઈ મોદી (ઉ.વ.48) અને તેમનો દીકરો પ્રતિક (ઉ.વ.25) ગુરુવારના રોજ સવારે 11.30 કલાકે પોતાની દુકાન પર હાજર હતા ત્યારે હરેશ લોખંડે અને તેનો ભાઈ કાળુ લોખંડે દુકાનમાં ધસી આવ્યા હતા અને બંનેએ ચપ્પુ કાઢીને રાકેશ તેમજ તેના પુત્ર પ્રતિક ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પુત્રનું મોત: આ દરમ્યાન ટોળું ભેગું થઈ જતાં બંને ભાઈઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જ્યારે બંને પિતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં પ્રતિકને છાતીના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઈ હોય જેનું સરવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
ગૅસ સિલિન્ડર ચોરી અંગે ઠપકો આપ્યો હતો: બુધવારના રોજ રાકેશ મોદીની દુકાનની આગળ ગૅસનો બોટલ ચોરી થઈ જતાં આ બાબતે તેમણે હરીશ લોખંડેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી હરીશ અને કાળુ રાકેશ મોદીની દુકાન પર પહોંચી ગયા હતા જ્યાં પિતા પુત્ર ઉપર ચપ્પુથી હુમલો કરતાં પુત્રનું મોત નીપજયું હતું.
હત્યામાં સામેલ આરોપી માથાભારે: સુુરતમાં રહેતો હરીશ લોખંડે માથાભારે છે. ગત 30-8-2022ના રોજ કડોદરાના ક્રિષ્નાનગરમાં આવેલ સત્યમનગર ખાતે તેમના પાડોશી ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જે બાબતે તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. માથાભારે ઈસમના આતંકને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આવા સમયે કડક હાથે પગલાં લે તેવી માગ કરી હતી.