સુરત : રવિવારે મોડી રાત્રે સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નૂરાની મસ્જિદ નજીક એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોઈ અન્ય દ્વારા નહીં પરંતુ યુવકના મિત્ર દ્વારા કરવામાં આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી : બહેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે આરોપી મિત્રએ મિત્રની કરપીણ હત્યા કરી હતી તે સમયે મરનાર યુવક શેહબાઝ ખાન સાથે અન્ય યુવક પણ સાથે હતો. તેની ઉપર પણ ચપ્પુના ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત શેહબાઝ ખાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના લાશને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રેમસંબંધના વહેમમાં હત્યા : મામલાને લઇને ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શેહબાઝ ખાન છે. તેના મિત્ર એ જ તેને ચપ્પુના ઘા મારી હત્યા કરી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં આ પોલીસને પ્રાથમિક તપાસમાં જે જાણકારી મળી છે તે મુજબ હત્યા કરનાર આરોપીને લાગ્યું હતું કે તેની બહેન સાથે તેના મિત્રનો પ્રેમ સંબંધ છે જેના વહેમમાં તેણે મિત્રની હત્યા કરી હતી. આ સાથે અન્ય વ્યક્તિને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.