સુરત: ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ, અનાજ, કપડાની મદદ કરવાની લાલચ આપી ધરેણા ઉતારી લેતી અને આતંક મચાવનાર આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.તેમજ પોલીસ તપાસમાં 9 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.
આરોપીઓનું વૃદ્ધ મહિલાઓ ટાર્ગેટ: મળતી માહિતી મુજબ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ દાનમાં પૈસા, કપડાં, અનાજ તથા પ્રસાદી આપે છે. પરંતુ જો સોનાના ઘરેણાં પહેર્યા હશે તો મદદ નહી મળે તેમ કહી સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દઈ નજર ચૂકવી સોનાના ઘરેણાં ઉતારી લીધેલાના બનાવો સામે આવ્યા હતાંં. જેને લઈને પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આજે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે શંકર ચૌહાણ, નાગેન્દ્ર ઉર્ફે નાગુ કાલે, સંજય કાલે, સમીરબેગ નસીરબેગ આટલા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સુરતના ચોકબજાર, કતારગામ, સિંગણપોર, લીંબાયત, અમરોલી, વરાછા, પુણા અને જંબુસર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મળી કુલ 9 ગુનાના ડિટેકટ થયા છે.
ગેંગ 2017થી ગુન્હાઓને અંજામ આપતું હતું: પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2017થી અત્યારસુધી પોતાની ગેંગના અલગ અલગ માણસોને સાથે રાખી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલ-દોકલ નીકળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને આગળ રોકડ રકમ, અનાજ તથા કપડા ગરીબોને દાનમાં મળે છે. જો તમે શરીરે સોના-ચાંદીના દાગીના પહેર્યા હશે. તો તમને મદદ નહી મળે વગેરે લાલચ આપી યુક્તિપૂર્વક વૃદ્ધ મહિલાઓને ભોળવી દાગીના ઉતારી લેવડાવી ગુનાઓ આચર્યા છે. આરોપીઓ પૈકી શંકર કિશન ચૌહાણ પોતાની સાથે ગેંગમાં અલગ અલગ માણસો સાથે રાખી ગુનાને અંજામ આપતો હતો અને પોતે માણસો દ્વારા કામ કરાવતો હતો.
આરોપીઓ મોડેસ ઓપરેન્ડીથી કાર્ય કરતા હતા: આરોપીની મોડેસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું કે, આરોપીઓ સુરત શહેર તથા ભરૂચ ખાતે દાગીના પહેરી એકલા નીકળતા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરતા હતા અને દાનમાં રોકડ રકમ, કપડા, અનાજ તથા પ્રસાદી આપવાની લાલચ આપી અમારા શેઠ તમારા પહેરેલા ઘરેણાં જોશે તો તમને દાન નહિ આપે તેવી વાતોમાં ભોળવીને વૃદ્ધ મહિલાઓના ઘરેણા ઉતારવાનું કહીને પ્રથમ નજીવી રોકડ રકમ , વેફર, બિસ્કીટના પેક એક થેલીમાં આપતા હતા. ત્યારબાદ આરોપીઓ મહિલાઓને પોતાની વાતમાં લઇને ઘરેણાનું પાકીટ થેલીમાં મુકવાના બહાને પાકીટ પોતાની પાસે રાખીને નજર ચૂકવીને બિસ્કીટ અને વેફરની થેલી પર એક સાથે 5થી 7 ગાંઠો મારીને વૃદ્ધ મહિલાને થેેલી આપી પાકીટ લઇને રફૂચક્કર થઇ જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.