સુરતઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખરાદ વિસ્તારમાં 4 મહિના અગાઉ 1 વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા સોપારી આપીને કરાવી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ સોપારી કિલર અનિલ કાઠીને હત્યા માટે 25 લાખ રૂપિયા ચૂકવવામાં હતા. પોલીસ લાંબા સમયથી આ સોપારી લઈ હત્યા કરનારને શોધી રહી હતી. આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચને આ કોન્ટ્રાક્ટ કિલર અનિલની મુંબઈથી ધરપકડ કરવામાં સફળતા મળી છે.
બનાસકાંઠામાં સોપારી લઈ હત્યા કરીઃ વર્ષ 2023ની 10મી ઓક્ટોબરના રોજ બનાસકાંઠામાં મફા પટેલની હત્યા થઈ હતી. જેમાં તેઓ અને તેમની પત્ની હરિ પટેલ મુદત પતાવીને ઘરે આવી રહ્યા હતા. તે સમયે પીન્ટુ, ભગીરથ તેમજ દશરથ બારોટ નામના 3 લોકોએ બોલેરા કાર દ્વારા મફા પટેલની બાઈકનો પીછો કર્યો હતો. ત્યારબાદ કાર વડે બાઈકને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરને લીધે નીચે પડેલ મફા પટેલ પર આડેધડ ગોળીઓ વરસાવી તેમજ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ મામલે પોલીસ હત્યારાઓની શોધખોળ કરી રહી હતી.
શા માટે અપાઈ હતી સોપારી?: મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી હતી. જેના કારણે બંને પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. સતત ઝઘડાઓ પણ થતા હતા. પિતાની હત્યાનો બદલો લેવા માટે ભગીરથ પટેલે અનિલ કાઠીને સોપારી આપી હતી. મફા પટેલ જ્યારે પેરોલ જેલમાંથી બહાર આવ્યો ત્યારે અનિલ કાઠીએ પોતાના માણસોને ઘટના સ્થળે મોકલ્યા હતા. અનિલ કાઠીના માણસો સાથે આ હત્યામાં ભગીરથ, પીન્ટુ તેમજ દશરથ બારોટ પણ સામેલ હતા. આ હત્યારાઓએ મફા પટેલની કરપીણ હત્યા કરી હતી.
મુંબઈથી કરાઈ ધરપકડઃ સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે અનિલ પ્રોફેશનલ ગુનેગાર છે. તેની સામે મહારાષ્ટ્રના સુરત, રાજકોટ, ભરૂચ, ગાંધીધામ, જામનગર અને નવાપુરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, ધમકી, જમીન પચાવી પાડવા જેવા કેસમાં એફઆઈઆર નોંધાયેલ છે. પોલીસને જાણકારી મળી હતી કે તે મુંબઈમાં છે જેથી ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમોને મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસે મુંબઈના વિરાર હાઇવે પરથી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ ગુજસીટોક કાયદા અંતર્ગત તેની ઉપર કાર્યવાહી કરવા માટેની તજવીજ કરી રહી છે.
અનિલ કાઠી અઠંગ ગુનેગારઃ ઉલ્લેખનીય છે કે અનિલ કાઠી સુરતમાં રહે છે. તેણે માત્ર સુરત જ નહિ પરંતુ મહારાષ્ટ્રમાં પણ 20થી વધુ ગુનાઓ કર્યા છે. હાલ પોલીસે ગુજસીટોક કાયદા અંતર્ગત તેની ઉપર કડક કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે. અગાઉ પાલનપુર, હિંમતનગર, જૂનાગઢ અને ભુજ ખાતે 4 વાર તેની વિરુદ્ધ પાસા અંતર્ગત કાર્યવાહી થઈ ચૂકી છે.