સુરત: સુરત ક્રાઈમ બ્રાંચે સુરત ગ્રામ્ય અને ભરૂચ પોલીસ સાથે સંકલન કરી રવિવારે સાંજે વેલંજાથી 2 કિલો એમડી ડ્રગ્સ પકડવા સાથે અંકલેશ્વર GIDCની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અવસર એન્ટરપ્રાઇઝમાંથી રૂપિયા 14.10 લાખનું ડ્રગ્સ અને 428 કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબજે લઈ FSLમાં ચકાસણી માટે મોકલી આપ્યો હતો. જે અંતર્ગત ફેક્ટરીમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા સંચાલક, એચઆર, કેમિસ્ટ અને લેબ ઇન્ચાર્જની ધરપકડ કરાઈ હતી. વેલેંજા નજીકથી ઝડપાયેલ ત્રણેય ઇસમોને પોલીસે કઠોર કોર્ટમાં રજૂ કરી આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું આ મામલે જણાવ્યું હતું કે, "ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, અંકલેશ્વરની ફેક્ટરીથી 3 યુવકો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો લઈ સ્કોડા સ્લાવિયા કારમાં રાજ હોટલ થઈ વેલંજામાં રંગોલી ચોકડી તરફ જઇ રહ્યા છે. બાતમીના આધારે સુરત ગ્રામ્ય પોલીસને સાથે રાખી ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી હતી. જે દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થતી કાર પકડી તેની તપાસ કરતાં 2.031 કિલોગ્રામ વજનનો રૂપિયા 2.03 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે, "પોલીસે કારમાં સવાર મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી હતી. કાર સહિત 2.16 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. વધુમાં સુરત પોલીસની બીજી ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પહોંચી હતી. અહીં કરમાતુર ચોકડી પાસે આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાતું હોવાનો ઘટસ્ફોટ થતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભરૂચ એસઓજીની ટીમને સાથે રાખી રવિવારે રાત્રે જ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અહીં ફેક્ટરીમાંથી રૂપિયા 14.10 લાખની કિંમતનું 141 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું હતું. સાથે સાથે ડ્રગ્સ બનાવવાના રૉ-મટીરિયલ, કેમિકલ વગેરે સહિત 427.95 કિલો શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેને ચકાસણી માટે ગાંધીનગર FSLમાં મોકલી અપાયો હતો.
આ સમગ્ર ઘટના અંગે વધુ જણાવતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, "બે દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઈઝના સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી હતી. ફેક્ટરીના સંચાલક વિશાલ, એચઆર મોન્ટુ, લેબ આસિસ્ટન્ટ વિરાટ અને કેમિસ્ટ વિપુલે સાથે મળી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાના ગોરખધંધો શરૂ કર્યો હતો. વેલંજા ડ્રગ્સ કેસમાં કામરેજમાં ગુનો નોંધાવી ઓલપાડ પીઆઈને તપાસ સોંપી દેવામાં આવી હતી.
ઓલપાડ પોલીસે ત્રણેય આરોપીઓને કઠોર કોર્ટમાં રજૂ કરી, કેટલા સમયથી આ પ્રવુતિ કરી રહ્યા છે? અન્ય કેટલા લોકો આ કામમાં સામેલ છે? અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ વેચ્યું છે? આમાં કોઈ વિદેશી તાર જોડાયેલા છે કે નહીં? એ દિશામાં તપાસ કરી રહી છે. જે માટે આરોપીના રિમાન્ડ માગ્યા હતા. જેને લઇને કોર્ટે આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: