સુરત : રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ઘણા વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા. જેને લઇને લોકોને વાહનોને ધક્કો મારવાની ફરજ પડી હતી.
સુરતમાં જળબંબાકાર સર્જાયો : કેટલીક સોસાયટીમાં ભરાઈ ગયેલ પાણીઓમાં બાળકો મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા. કાદરસાહની નાળ અને સંગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને શાળાના 700 જેટલા બાળકો ફસાઈ ગયા હતા. જોકે, સમયસર પહોંચી ગયેલ ફાયર વિભાગની ટીમે 700 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરી અને બાળકોને સહી સલામત સ્થળ પર લાવવામાં આવ્યા હતા.
પાણીમાં બાળકો ફસાયા : ફાયર ઓફિસરે જણાવ્યું કે, અમને કોલ મળતાની સાથે જ અમે શાળામાં પહોંચી ગયા હતા. શાળાની આસપાસ પાણી ભરાયેલું હોવાને કારણે બાળકો સીધી રીતે નીકળી શકે તેમ નહોતું. અંદાજે 700 થી 800 બાળકોને તુરંત જ રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણી ઓછું થતા બાળકો પોતાની રીતે પણ ધીરે-ધીરે નીકળવાના શરૂ થઈ ગયા હતા. વાલીઓને શાળાના સંચાલકો દ્વારા ફોન કરી દેવામાં આવ્યો હતો. તેથી, બાળકો પોતાના માતા-પિતા સાથે જતા રહ્યા હતા.
સાર્વત્રિક વરસાદી આંકડા : સુરત જિલ્લામાં 25 સપ્ટેમ્બરના રોજ 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરપાડામાં 5.6 ઇંચ, સુરત શહેરમાં 3.2 ઇંચ, માંડવીમાં 2.3 ઇંચ, બારડોલીમાં 1.37 ઇંચ, પલસાણામાં 1 ઇંચ, કામરેજમાં 1 ઇંચ, મહુવામાં 0.25 ઇંચ, ઓલપાડમાં 0.25 ઇંચ, ચોર્યાસીમાં 0.5 ઇંચ અને મહુવામાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો હતો.