સુરત: મા આદ્યશકિતના પર્વમાં ભકિતનો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહીર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતાં ભાઈઓ અને બહેનોના ગરબા જગ વિખ્યાત છે. ત્યારે લસકાણામાં સાતમા નોરતે આહીર સમાજના એક હજારથી વધુ ભાઈ-બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા.
સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ મોંઘીદાટ ફી ચૂકવી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈ રહ્યા છે. ત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહીર સમાજની વાડીમાં સમાજના દીકરા-દીકરીઓને ક્યાંય બહાર ઘરબે ઘૂમવા ન જવું પડે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતમા નોરતે એક હજાર જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એક સાથે ગરબા રમ્યા હતા.
સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે આહીર સમાજ દ્વારા છેલ્લા 25-30 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમજ નવરાત્રિના નવ દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલવામાં આવે છે. જે બોલી 2.50 લાખ સુધી પહોંચી જાય છે. જે પણ રૂપિયા ભેગા થાય છે એ નવરાત્રિના આયોજનમાં ખર્ચ કરાય છે. ત્યારે દેખા દેખીના જમાનામાં આજે પણ કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારનું આયોજન કરી રહ્યો છે.


આ પણ વાંચો: