બનાસકાંઠા: બનાસકાંઠાના સુઇગામ તાલુકાના છેવાડાના પાડણ ગામના તળાવના કિનારે ઐતિહાસિક મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પાટણના રાજા મૂળરાજ સોલંકીએ 1200 વર્ષ પહેલાં બંધાવ્યું હોવાનું કહેવાય છે. વર્ષો પહેલા મૂળરાજ સોલંકી બાદશાહ સામે વારેઘડીએ જંગ હારી જતા હતા. પરંતુ પાડણ ગામમાં શિવલિંગની પૂજા કરી બાદશાહ સામે ચડાઈ કરતા વિજય હાંસલ કરી હતી. તેની ખુશીમાં આ જગ્યાએ મૂળેશ્વર મહાદેવના મંદિરેની સ્થાપના કરી હતી. અત્યારે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.
બાદશાહ સામે વારંવાર હાર: 1200 વર્ષ પહેલાની પુરાણી કહેવત મુજબ પાડણ રાજવી મૂળરાજ સોલંકી વારંવાર બાદશાહ સામે હારતો હતો ત્યારે તે હતાશ થઈ જતા અનેે માતાજીને પ્રાર્થના કરતા હતાં. કે માતાજી હું તમારો ભક્ત છું, તેમ છતાં મારી કેમ બાદશાહ સામે વારંવાર હાર થાય છે. ત્યારે માતાજી પ્રશ્ન થઈને સપનામાં કીધું કે બાદશાહ પણ મારો પરમ ભક્ત છે. તેથી તારે તેની સામે જીતવું હોય તો પવિત્ર જગ્યાએ શિવની ભક્તિ કર તો ચોકસ તારી જીત થશે.
શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા: ત્યારે મૂળરાજ સોલંકી ફરતા ફરતા ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલ પાડણ શિવલિંગ પવિત્ર છે તે વાતની ખબર પડી. તો મૂળરાજ સોલંકી ત્યાં આવી પૂજા, અર્ચના અને આરતી કરતા હતાં અને સમય જતાં મૂળરાજ સોલંકીએ બાદશાહ સામે યુદ્ધ કર્યું. અને તેમાં મૂળરાજ સોલંકીનો વિજય થતા ખુશીમાં અને ભક્તિ મય બનતા પાટણના મૂળરાજ સોલંકીએ ત્યાં વિશાળ શિવાલય બનાવડાવ્યું, અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરાવતાં શિવાલયનું નામ મૂળેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધિ પામ્યું.
પાડણ ગામનું નામ આના પરથી પડ્યું: સમય જતાં કહેવાય છે કે સુઇગામના રાજાના વહીવટદારોના ત્રાસથી પીડિત પાડણના રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળપુજા કરતાં અને આગલા જન્મે સુઇગામના રાજ ઘરોમાં તેમનો જન્મ થયેલો, અને પૂર્વ જન્મની નિશાનીઓ બહાર કાઢી પ્રમાણ પણ આપેલ, જેઓ રાયસિંગજી ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા અને આજીવન દરરોજ મૂળેશ્વર મહાદેવની પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનું ભોગ બન્યું હતું. પરંતુ કહેવાય છે કે વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં પાડાનું રૂપ ધારણ કરી. સૈનિકોનો ખાત્મો બોલાવી સૈન્યને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી. ત્યારથી ગામનું નામ પાડણ પડ્યું હોવાની માન્યતા છે.
આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવ્યા: શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ મૂળેશ્વર મહાદેવના અનેક પરચા છે, સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનો ઘસારો રહે છે આજે પણ સરહદી પંથકના ખેડૂતોના પશુ વિયાય ત્યારે પહેલું આથણું મંદિરમાં આવી ચડાવી જાય છે અને પછી પશુ પાલકો દૂધ ભરાવે અને પીવે છે.
લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે: શ્રાવણ માસમાં દરોજ ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને યથા શક્તિ પૂજા કરે છે, અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પુરી કરે છે, તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે. મંદિરની બાજુમાં વિશાળ તળાવ પણ આવેલ છે પહેલા તો તળાવ વગર વરસાદે કોરું ધોકાર હતું. પરંતુ હમણાં બનાસકાંઠામાં સારો વરસાદ થતાં તળાવ પણ ભરાઈ જતા શ્રધ્ધાળુઓ આવનાર તળાવમાં સ્નાન કરી અનેરો આનંદ માણી રહ્યા છે. સારા વરસાદથી આજુબાજુ લીલોતરીથી ધરતી હરખાઈ રહી છે.