સુરત: સચિન વિસ્તારમાં રહેતી 13 વર્ષની બાળકી રાશિ પટેલ(નામ બદલ્યું છે)ને છેલ્લા 4 વર્ષથી શરીરમાં સતત કમજોરી અને થાકની ફરિયાદ રહેતી હતી. પરિવારે તેની વિવિધ દવાખાનાઓમાં સારવાર પણ કરાવી હતી. પરંતુ કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શારીરિક નબળાઈને કારણે રાશિનું અભ્યાસમાં ધ્યાન લાગતું ન હતું, જેથી તબિયત નાદુરસ્ત રહેતા તેમજ પેટમાં દુ:ખાવા સહિતની સમસ્યાઓના કારણે તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
ડો. હરીશ ચૌહાણે આ વિષયે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થતા સમયે તરૂણીનું વજન માત્ર 21 કિગ્રા હતું. તેને ખાવામાં અરુચિ અને કમજોરીની તકલીફ પણ હતી. સારવાર દરમિયાન સિકલસેલ હોવાનું નિદાન થયું હતું. સાથે જ તેને કમળો હતો અને સિકલસેલને કારણે તેનું બરોળ સુજીને મોટું થઈ ગયું હતું.
સારવાર વિષે વધુમાં ડૉ.ચૌહાણે જણાવ્યું કે, અમે સૌ પ્રથમ તેને વેક્સિન આપી ત્યારબાદ લેપ્રોસ્કોપીક આસિ. સ્પ્લેનેક્ટોમી પધ્ધતિ વડે ઓપરેશન કર્યું, જેમાં તેની 1.250 કિગ્રાની બરોળ કાઢવામાં આવી, જે તેના શરીરના વજન પ્રમાણે ખૂબ અસામાન્ય હતી. સિકલસેલ વિષે ડૉ ચૌહાણે કહ્યું કે, લાંબા સમયથી સિકલસેલની બિમારીને કારણે શરીરમાં જરૂર પ્રમાણે ઓક્સિજન નહીં પહોંચતા બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ રૂંધાય છે. જેના કારણે ઘણીવાર તેઓ અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરવામાં અસમર્થ નીવડે છે.
ડો.હરીશ ચૌહાણની આગેવાનીમાં ડો.મિલન ભીંગરાડિયા, ડો.આકાશ કાનુન્ગા સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફે દર્દીનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. લાંબા સમયની સમસ્યાથી પુત્રીને મુક્ત કરાવનાર સ્મીમેરના ડોકટરોનો તરૂણીના માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.