રાજકોટ: ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંચાલિત સંસ્થાના બન્ને સ્વામીઓ તેમજ અન્ય એક મુખ્ય સંચાલક વ્યક્તિ સામે દુષ્કર્મ, ગર્ભપાત અને મદદગારી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી, દુષ્કર્મ આચરી યુવતીને સગર્ભા બનાવ્યા બાદ તેમનું ગર્ભપાત કરાવ્યા હોવાનો અજીબ કિસ્સો સામે આવતા આ વિસ્તારની અંદર ખડભરાટ મચી ગયો હોવાનું સામે આવ્યું છે.
મીડિયા સામે કોઈ કંઈ બોલવા તૈયાર નહીં: આ મામલો પોલીસ ચોપડે નોંધાયા બાદ બન્ને સ્વામીઓ તેમજ મુખ્ય સંચાલક સહિત ત્રણ વ્યક્તિઓ પોલીસ ફરિયાદ બાદ પોલીસની ઢીલી નીતિના કારણે હાલ તો અહીંયાથી ભાગી છૂટવામાં સફળ થયા છે, ત્યારે હાલ અહીંયાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે અને આ મામલે કોઈપણ વ્યક્તિ મીડિયા સમક્ષ કોઈ જવાબ કે કોઈપણ પ્રકારનું કંઈ બોલવા તૈયાર નથી.
સ્વામીનારાયણના બે સંતો સામે ગંભીર આરોપ: ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલી આ શૈક્ષણિક સંસ્થાનું સંચાલન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલ બે સંતો કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. આ સંસ્થાની અંદર આવેલી એક યુવતી સાથે સંસ્થાના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું નાટક કરી અને દીક્ષા અપાવવાનું કહી વારંવાર દુષ્કર્મ ગુજારીને યુવતીને સગર્ભા બનાવી હતી અને બાદમાં આ યુવતીનું ગર્ભપાત કરાવી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું.
વિદ્યાર્થીઓનું હોસ્ટેલમાંથી પલાયન: આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બન્ને સ્વામી એવા ધર્મસ્વરૂપદાસ તેમજ નારાયણ સ્વરૂપ દાસ અને તેમની સાથે મુખ્ય સંચાલક એવા મયુર કાસોદરીયા સહિતના લોકો અચાનક ગાયબ થઈ ચૂક્યા હોય અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેથી હાલ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રજા જાહેર કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અહીંની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પણ તેમના વાલીઓ ઘરે પરત લઈ જઈ રહ્યા છે.
હોસ્ટેલ થઈ ખાલીખમ: વડતાલની સંસ્થા સાથે સંકડાયેલ આ સ્વામિનારાયણના બન્ને સંતોની દેખરેખ હેઠળ ચાલતી આ શૈક્ષણિક સંસ્થાના બન્ને સંતો તેમજ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર પંથકની અંદર સંસ્થાના સ્વામી પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે, સાથે જ આ સંસ્થાના સ્વામીએ અગાઉ પણ અવાર-નવાર આ પ્રકારના કૃત્યો કર્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ત્યારે આ બનાવ બાદ અહીં શાળાના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે લઈ જઈ રહ્યા છે.
લંપટ સ્વામીઓ સામે ગ્રામજનોમાં રોષ: આ મામલે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શાળાના અને સંસ્થાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ સહિતના સૌ કોઈ લોકો મીડિયા સમક્ષ કંઈપણ કહેવા કે કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી અને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. આ મામલે ટ્રસ્ટીઓ અને સંચાલકો તેઓ અજાણ હોય તેવું રટણ કરી છટક બારી બનાવી લીધી છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ આ પ્રકારનું કૃત્ય સામે આવતા ગ્રામજનોમાં અને આસપાસના પંથકના લોકોમાં રોષ અને સ્વામીની આ પ્રકારની ગંદી કામગીરીને લઈને ફિટકાર વરસી રહ્યો છે.