સુરત: એક બાદ એક ત્રણ પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીએ પાસ થવા માટે 500 રૂપિયાની કિંમત લગાવી. આ ઘટના સુરત શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલી પરીક્ષામાં બહાર આવી છે જ્યાં એક વિદ્યાર્થીએ પાસ થવા માટે ઉત્તરવહીમાં 500 રૂપિયાની નોટ મૂકી હતી અને પકડાઈ જતા પોતાની ભૂલ પણ સ્વીકારી છે. યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને છ મહિના સુધી આ વિદ્યાર્થી પરીક્ષા પણ આપી શકશે નહીં.
પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 130 થી પણ વધુ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા હતા તેમની હિયરિંગ કરવામાં આવી હતી. ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીઓમાંથી એક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને ખાસ દંડિત કરવામાં આવ્યો છે. સતત ત્રણ પરીક્ષામાં ફેલ થનાર આ વિદ્યાર્થીએ પાસ થવા માટે ઉત્તરવહીમાં રૂપિયા 500ની ચલની નોટ મૂકી હતી અને પોતાની ભૂલ પણ સ્વીકારી છે. યુનિવર્સિટી તરફથી તેને 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એટલું જ નહીં તે હવે છ મહિના સુધી કોઈપણ પ્રકારની પરીક્ષા પણ આપી શકશે નહીં.
98 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યા: આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે યુનિવર્સિટી તરફથી કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરે છે તેમને ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીમાં બોલાવવામાં આવે છે. આ વખતે 130 થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત છે કે 98 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યા હતા.
દંડની કાર્યવાહી કરવામાં આવી: સાથે તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ વખત પરીક્ષામાં ફેલ થનાર એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં 500 રૂપિયાની નોટ પણ મૂકી હતી. તેની પણ હિયરિંગ કરવામાં આવી હતી જ્યાં તેને ભૂલ સ્વીકારી છે. તેને દંડ ફટકારીને છ મહિના સુધી પરીક્ષા ન આપવા માટે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પોતાના ચપ્પલના સોલમાં કાપલી લઈને આવનાર વિદ્યાર્થીને પણ બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે હાજર રહ્યો નહોતો જેથી તેને ફરીથી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.