ભાવનગર: મન હોઈ તો મેળવે જવાય આ કહેવત માત્ર કહેવત ન રાખતા ભાવનગરના રસિકભાઈએ વાસ્તવિકતામાં ફેરવી છે. રસિકભાઈ એ એવા શિક્ષક છે જેમણે પોતે બાળપણમાં શાળામાંથી પ્રેરણા મેળવી અને એ પ્રેરણા આજે તેઓ અન્ય બાળકોને આપી રહ્યા છે. અહી જાણવા જેવી બાબત એ છે કે, તેઓએ પાઠ્યપુસ્તકના મુખ્ય પેજ ઉપરના ચિત્રથી પ્રેરણા મેળવી અને આજે એ જ પાઠ્યપુતસ્કના પેજ ઉપર પોતે ચિત્ર બનાવીને પાઠ્યપુસ્તક મંડળને આપે છે. તો ચાલો જાણીએ આ પાઠ્યપુસ્તકમાં ચિત્ર બનાવનાર રસિકભાઈની અનોખી વાર્તા વિશે.
ચિત્રોને મળ્યું પાઠ્યપુસ્તકના મુખ્ય પેજ ઉપર સ્થાન: શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પુસ્તકોમાં મુખ્ય પેજ ઉપર દોરેલા ચિત્રો બાળકોને આકર્ષિત કરતા હોય છે. ત્યારે એક સમયે બાળપણમાં પાઠ્યપુસ્તકના ઉપરના પેજના ચિત્ર જોઈને પ્રેરણા મેળવીને ભાવનગરના રસિકભાઈ વાઘેલા આજે પાઠ્યપુસ્તકના મુખ્ય પેજના ચિત્રો બનાવે છે. રસિકભાઈ પોતે સરકારી શિક્ષક છે. અને આજે તેમના બનાવેલ ચિત્ર દરેક બાળક જોય છે. જો કે માત્ર એટલું જ નહીં પણ રસિકભાઈની અનેક સિદ્ધિ છે. ચાલો મળીએ રસિકભાઈનેઅ ને જાણીએ તેમના સિદ્ધિઓ વિશે.
રસિકભાઈની અનોખી વાર્તા: ભાવનગર શહેરમાં રહેતા રસિકભાઈ વાઘેલા સરકારી શિક્ષક છે. 1998માં તેમને પ્રથમ ગુંદરણા અને ત્યારબાદ 20 વર્ષ સુધી ફરિયાદકા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. અને હાલમાં મહુવાના ઓથા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. રસિકભાઈ એક શ્રેષ્ઠ ચિત્રકલાકાર છે. આ સાથે જ તેમના ચિત્રોને આજે પાઠ્યપુસ્તકના મુખ્ય પેજ ઉપર સ્થાન મળેલું છે. જો કે રસિકભાઈને રાજ્યકક્ષાના અનેક સન્માન અને સંસ્થાઓના પ્રમાણપત્રો પણ મળેલા છે.
નાનપણથી રસિકભાઈને ચિત્ર બનાવાની મળી પ્રેરણા: નાનપણમાં પાઠ્યપુસ્તક ઉપર ચિત્રો જોઈને પ્રેરણા મેળવીને કલાકાર બનેલા રસિકભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મને નાનપણથી ચિત્રનો શોખ અને હું પહેલા બીજામાં ભણતો હતો ત્યારથી જ આમ ચિત્ર જોતો અને મને વિચાર આવતો કે આવા ચિત્રો આપણે પણ બનવી શકીએ છીએ. ચોથા ધોરણમાં એક સરસ વાર્તા ચિત્ર મેં જોયું અને તે ચિત્રમાં કબૂતર ઉપર કીડીઓ ચડી જાય છે, કીડીને કબુતર વાત કરે છે. તો માંને વિચાર આવ્યો આપણે આવું ન કરી શકીએ?
લાઇવ સ્કેચિંગ કરવાનું શરૂ કર્યું: આમ ચોથા ધોરણમાં હતો ત્યારથી મને ચિત્ર જોવાનો અને દોરવાનો શોખ હતો. અને મેં મારી કલાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. ત્યારે મને એમ થયું કે, ખરેખર આવી રેખાથી તો સરસ મજાનું કબુતર બન્યું, પછી મોર દોર્યો આમ પક્ષીઓ દ્વારા શરૂ કરી આગળ વધારતા વધારતા મેં સ્કેચિંગ શરૂ કર્યું. લાઇવ સ્કેચિંગ એટલે કે કોઈ સામે બેઠેલ હોય અને તેના ત્યારે ને ત્યારે તેમનું ચિત્ર પેન્સિલ વડે પેપરમાં કંડારવું, એ મેં શરૂ કર્યું. મને લાઈવ ચિત્ર દોરવાનો ખૂબ આનંદ થતો, પછી મેં કલરમાં કામ શરૂ કર્યું.
20 વર્ષ કલા ક્ષેત્રે કામ કર્યું: રસિકભાઈ વાઘેલાએ આગળ જણાવ્યું હતું કે, "1994-95ના સમયગાળામાં મને ATDમા એડમિશન મળ્યું. બે વર્ષમાં ડિગ્રી પૂર્ણ કરી ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો. ત્યાર પછી સરકારી નોકરી તરીકે 1998મા મહુવા તાલુકાના ગુંદરણા ગામે પહેલી નિમણૂક થઈ. એ પહેલા મેં પીપી સવાણી સુરતમાં કલા શિક્ષક તરીકે કામ કર્યું હતું. 1998થી 2007 સુધી હું ગુંદરણા રહ્યો. ત્યારબાદ ફરિયાદકા ગામે 20 વર્ષ કલા ક્ષેત્રે કામ કર્યું."
ઉર્દુ, મરાઠી ભાષાના પુસ્તકોમાં ચિત્રો છપાય છે: તેમણે આગળ જણાવતા કહ્યું કે, "પાઠ્યપુસ્તક મંડળ ચિત્રો દોરવાના હોય તો મને યાદ કરે, આદેશ થાય, ફોન કરે અને પાઠ્યપુસ્તકમાં ચિત્રો દોરવવા માટે બોલાવે. મારી કલાને અધ્યાપકો, જીસીઆરટીના નિયામકશ્રીઓએ, પાઠ્યપુસ્તક મંડળે તક આપી. મારા ચિત્રો હાલ છ, સાત, આઠ ધોરણના સંસ્કૃત, ગુજરાતી વિષયમાં અને બીજી ભાષા જેવી કે ઉર્દુ, મરાઠી ભાષામાં છપાય છે. મને મળેલ આ તક બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને આનંદ થાય છે કે મારા ચિત્રો બાળકો નિહાળે છે, મને આનંદ થાય છે કે જે ચિત્રો નિહાળીને હું આગળ વધ્યો છું, મારા બાળકો મારા ચિત્રો નિહાળીને આગળ વધે એવી હું આશા રાખું છું."