અમદાવાદઃ સંસદના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિંદુઓ અને હિંસા અંગે કરેલા નિવેદનને લઈને પાલડી ખાતે આવેલી કોંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે વિરોધ કરવા એકત્ર થયેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક કાર્યકરો અને મિડીયાકર્મી ઇજાગ્રસ્ત થયા છે. બપોરે 4 વાગ્યા બાદ કોંગ્રેસ ઓફિસ પાસે એકત્ર થયેલા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી વિરોધી બેનર, સુત્રો સાથે વિરોધ કરતા કોંગ્રેસ ઓફિસ ખાતે એકત્ર કોગી કાર્યકરો સામ-સામે આવતા તંગદિલી સર્જાઈ હતી. આરંભમાં એક બીજા વિરોધી સુત્રો પોકરાયા અને ત્યાર બાદ વિરોધ ઉગ્ર બનતા ભાજપ - કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ-સામે પથ્થરમારો થયો. કોંગ્રેસ કચેરીની બહાર પથ્થર, દંડા અને બાટલીઓ સામ-સામે ફેંકાયા હતા.
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા વાકપ્રહારઃ ગુજરાતના રાજકારણના સુવર્ણમય ઇતિહાસને ગભરાયેલી ભાજપે કલંકિત કર્યુ . રાહુલ ગાંધી જીએ હિન્દૂ ધર્મની ઉત્તમ પરંપરાની પ્રસંશા કરી ધર્મની સાચી વ્યાખ્યા સંસદમાં સમજાવી તેથી ભાજપને ગભરાહટ ઉભો થયો કે તેમની ધર્મના નામે ચાલતી દુકાન બંધ થઈ જશે. ગભરાયેલા ભાજપાના લોકોએ કોંગ્રેસની ઓફીસ પર તોડફોડ કરવા માટે ટોળું મોકલીને ગુંડાગીરી કરતી પાર્ટીનું પ્રતિક રજૂ કર્યું છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને માત્ર ખબર પડતાં કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ ઓફીસ પહોંચી ગયા હતા અને મજબૂત દીવાલ બનીને ભાજપના ગુંડાઓનો સામનો કર્યો હતો તેમને ખૂબ ખૂબ અભિનંદન. પોલીસને અગાઉથી જાણ કરી હોવા છતાં પોલીસની એક તરફી કામગીરી અને નિષ્કાળજી નિંદનીય છે. પોલીસ કર્મચારી અને અધિકારી કોઈ રાજકીય પક્ષના સેવકો નહીં જનતાના સેવકો છે અને તેઓએ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરવું જોઈએ.
મનીષ દોશીની પ્રતિક્રિયાઃ અમદાવાદમાં પાલડી ખાતે આવેલી કોંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે વિરોધ કરવા એકત્ર થયેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટના પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પોલીસે સમયસર પગલાં ભર્યા હોત તો આ બનાવ ટાળી શકાયો હોત. પોલીસે આપેલ છુટ્ટા દોરને કારણે ભાજપના કાર્યકર્તાઓએ પથ્થર, ઈટાળા અને પેવર જે હાથમાં આવે તે લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો.
પોલીસ બંદોબસ્ત છતાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે હિંસાઃ પહેલી જુલાઈએ વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના હિંદુ સમાજ અંગે લોકસભા કરેલા નિવેદનના વિરોધમાં ભાજપે આજે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યા છે. અમદાવાદના કોચરબ-પાલડી સ્થિત કોંગ્રેસ ઓફિસ ખાતે ભાજપ વિરોધ પ્રદર્શન કરવાનું છે એ હકિકત થી શહેર પોલીસ તંત્ર જાણકાર હતા. પોલીસ બંદોબસ્ત પાલડી ચાર રસ્તાથી લઈ કોંગ્રેસ ભવન સુધી હતો, છતાં પણ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા ઉપર આવી બેરીકેટ હટાવી હિંસા આચરી છે. આ અગાઉ પણ કોગ્રેસ ઓફિસ ખાતે ભાજપે કરેલા વિરોધ પ્રદર્શનથી હિંસા થઈ હતી. સવાલ એ છે કે શહેરનું પોલીસ તંત્ર અગાઉ થયેલ હિંસાત્મક દેખાવ-પ્રદર્શનથી કેમ અજાણ રહ્યું. મંગળવારની સાંજ કોંગ્રેસ ભવન બહારનો વિસ્તાર ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે સામ-સામે થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ બન્યું હતુ.
પથ્થરમારામાં પોલીસ, મીડિયાકર્મી પણ ઘાયલઃ કોંગ્રેસ કચેરી ખાતે ભાજપ- કોંગ્રેસના કાર્યકરો વચ્ચેના પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. આ સાથે પાંચેક મીડિયાકર્મી પણ ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘાયલ પોલીસ કર્મચારીને પગે ઈજા થઈ છે, જેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા છે. બંને પક્ષના કાર્યકરો વચ્ચેના સંઘર્ષમાં પોલીસ કોંગ્રેસ ભવન ખાતે પ્રવેશી કોંગ્રેસ ભવનમાં રહેલા કોગ્રેસી કાર્યકરોને માર માર્યાના જાણકારી છે.