રાજકોટ : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિસ્તારમાં જુગારની રેડ કરી રુ. 1.89 લાખના મુદ્દામાલ સાથે 12 વ્યક્તિઓની અટકાયત કરી છે. આ જુગારની રેડમાં કુલ 14 જેટલા વ્યક્તિ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી અન્ય ઈસમોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ તેમજ અન્ય જવાબદાર પોલીસના નાક નીચેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે રેડ કરી અનેક ગુના નોંધવામાં આવતા હોય છે. તેમજ અનેક લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવી જ કાર્યવાહીમાં ફરી એક વખત રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારની રેડ કરી 12 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે. આ જુગારની રેડમાં કુલ 14 જેટલા વ્યક્તિ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી રુ. 1.89 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
12 શખ્સની અટકાયત : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરેલી જુગારની આ રેડમાં કુલ 12 ઈસમો ઝડપાયા છે. જેમાં કિશોર પટેલ, દિપક બગડા, મોસીન ખીમાણી, નાસીર ખીમાણી, રતિભાઈ રાઠોડ, વિપુલ મકવાણા, એજાજ લાખાણી, દીપક કુંભાણી, જગુભાઈ સોલંકી, ભીમજી માયાણી, દદુભાઈ વાંક અને રાજુભાઈ સરવૈયા ઝડપાયા છે. જ્યારે અફઝલ લાખાણી તેમજ નાસી જનાર અન્ય ઈસમ સામે પણ જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રોકડ રકમ, 13 મોબાઈલ અને વાહન સહિત કુલ રૂપિયા 1,89,010 નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.