ખેડા: જીલ્લાના મહુધા તાલુકાના ભૂમસ અને ઠાસરા તાલુકાના વણોતી ગામે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો કાટ ખાઈ રહેલી જોવા મળે છે.રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આપવાની યોજના છે. જો કે ભૂમસ ખાતે 543 અને વણોતી ખાતે 285 જેટલી સાયકલો લાંબા સમયથી જેમની તેમ પડી રહી છે.ત્યારે શિક્ષણ અને અન્ય વિભાગો વચ્ચે સંકલનના અભાવે લાખો રૂપિયાના ખર્ચનો વેડફાટ થઈ રહ્યો છે. મહુધાના ભુમસ ગામે રામદેવપીર મંદિરના કંપાઉન્ડમાં હાલ વરસાદ વચ્ચે આ 543 જેટલી સાયકલો કાટ ખાઈ રહેલી જોવા મળે છે. ત્યારે લાભાર્થી વિદ્યાર્થિનીઓને આ સાયકલો ક્યારે આપવામાં આવશે તે જોવું રહ્યું
ભુમસમાં 2023માં વિતરણ કરવાની 543 સાયકલો: મહુધા તાલુકાના ભુમસ ગામે રામદેવપીર મંદિરના કંપાઉન્ડમાં છેલ્લા ત્રણેક માસ જેટલા સમયથી 543 જેટલી સાયકલો ખુલ્લામાં મુકવામાં આવેલી છે. હાલ ચોમાસું ચાલતું હોઈ વરસાદ વચ્ચે આ સાયકલો કાટ ખાઈ રહી છે.સાયકલો પર પ્રવેશોત્સવ 2023 લખેલું જોવા મળી રહ્યું છે.જેથી ગતવર્ષે આ સાયકલોનુ વિતરણ કરવાનું હતું. પરંતુ તે થઈ શક્યુ નથી તે સ્પષ્ટ થાય છે.
વણોતીમાં 2015 માં વિતરણ કરવાની 285 સાયકલો: ઠાસરા તાલુકાના વણોતી ગામે આવેલી પે સેન્ટર પ્રાથમિક શાળામાં 285 સાયકલો મુકેલી જોવા મળી રહી છે.આ સાયકલો 2015 ના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થિનીઓને આપવાની હતી.પરંતુ તે અહીં હવે ભંગારમાં ફેરવાઈ છે.2015 થી શાળાની જર્જરિત રૂમમાં આમ જ આ સાયકલો પડી રહી છે.શાળામાં રૂમની ઘટ હોવાથી આ જર્જરિત રૂમ તોડી નવો રૂમ બનાવવા માટે સાયકલો હટાવવા બાબતે તાલુકા કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.
સાયકલો શિક્ષણ વિભાગને ફાળવાઈ નથી : જીલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલના જણાવ્યા મુજબ વિકસતી જાતિ હસ્તક સાયકલો છે.અમને ફાળવણી હજી થઈ નથી જે ત્યાથી એજન્સીને ફાળવે અને તે બાદ જે તે શાળામાં લાભાર્થી વિદ્યાર્થીનીઓને તે આપવાની હોંય છે.પરંતુ તે સાયકલો હજી સુધી શિક્ષણ વિભાગને મળી નથી.અમને ખ્યાલ છે ત્યાં સુધી જે છે તે તેમના હસ્તક જ છે જે તેઓ કાર્યવાહી કરશે.