ગાંધીનગર: સરકારી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ( પીએમ પોષણ શક્તિ યોજના) ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો બંધ: ગુજરાતમાં લાખો બાળકો કુપોષણનો શિકાર થયા છે. ત્યારે રાજ્ય સરકારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 સપ્ટેમ્બરથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર બપોરનું ભોજન જ મળશે. અત્યાર સુધી બાળકોને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો બંને આપવામાં આવતું હતું. પરંતુ હવે નવા પરિપત્ર અનુસાર માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના કચેરીના કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા તારીખ 28 ઓગસ્ટ 2024 ના ઠરાવ અનુસાર પીએમ પોષણ યોજના હેઠળ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2023 અને ભારત સરકારના પીએમ પોષણ યોજના માટેની ગાઈડલાઈન અનુસાર શાળામાં બપોરનું ભોજન આપવાનું હોય છે.
બાળકની રુચિ અનુસાર નવું મેનુ નિયત કરાયું: ભારત સરકાર દ્વારા જથ્થાનું પ્રમાણ અને કેલરી પ્રોટીન નિયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ શાળાના રસોડામાં તૈયાર કરીને આપવામાં આવતા બપોરના ભોજન માટે શિક્ષણ વિભાગના 28 ઓગસ્ટ 2024 ના ઠરાવ અનુસાર બાળકની રુચિ અનુસાર નવું મેનુ નિયત કરવામાં આવ્યું છે. આથી શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર તારીખ 01 સપ્ટેમ્બર 2024 થી નવા મેનુનો અમલ કરવામાં આવશે. બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6 થી 7ના વિદ્યાર્થીઓ માટે નિયત સ્થળે થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ વધારાની રકમ સહિતના ગુજરાત સરકારે નિયત કરેલા મટીરીયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત બપોરનું ભોજન આપવામાં આવશે.
બાળકોને ભોજન અને નાસ્તો અપાતો હતો: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 2017 ના ઠરાવ અનુસાર રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજન અને નાસ્તો બંને આપવામાં આવતું હતું. સોમવારે ભોજનમાં થેપલા અને સૂકી ભાજી જ્યારે નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવતી હતી. મંગળવારે ભોજનમાં વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી પીરસવામાં આવતી હતી. બુધવારે ભોજનમાં થેપલા, દૂધી ચણાની દાળનું શાક અને નાસ્તામાં મુઠીયા પીરસવામાં આવતા હતા. ગુરુવારે ભોજનમાં દાળ ઢોકળી અને નાસ્તામાં ચણા ચાટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. શુક્રવારે વેજીટેબલ પુલાવ અને સુખડી આપવામાં આવતી હતી. જ્યારે શનિવારે ભોજનમાં મુઠીયા અને મિક્સ દાળ કઠોળ આપવામાં આવતું હતું.
વિદ્યાર્થીઓને બપોરનુું ભોજન અપાશે: શિક્ષણ વિભાગના તારીખ 23 જુલાઇ 2024ના પત્રની દરખાસ્ત અનુસાર પીએમ પોષણ યોજના હેઠળ રાજ્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવામાં આવશે. આ બપોરના ભોજનમાં અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલી કેલેરીનું પ્રમાણ જાળવીને વાનગીનું મેનુ બનાવવામાં આવ્યું છે. આ મેનુમાં માત્ર ભોજનનો સમાવેશ થાય છે નાસ્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
બાળકોને આ વાનગી પીરસાશે: સોમવારે વિદ્યાર્થીઓને વેજ પુલાવ અને દેશી આખા ચણાનું શાક, મંગળવારે દાળ ઢોકળી અને લીલુ શાક, બુધવારે ખીચડી શાક અથવા દાળ ભાત અને શાક, ગુરુવારે દાળ ઢોકળી, લીલું શાક, સુખડી, શુક્રવારે વેજીટેબલ મુઠીયા અને ચણાનું શાક, શનિવારે વેજીટેબલ ખીચડી અથવા ખારી ભાત અને કઠોળ દાળ અથવા કઠોળદાર સહિત વેજ પુલાવ વિદ્યાર્થીઓને પીરસવાનું નક્કી કરવામાં આવ્યો છે.
સરકારે રાશન સામગ્રીની જોગવાઈ વગર યોજના બનાવી: પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સરકારે વર્ષ 2017માં નાસ્તાની રસોઈ ખર્ચ અને રાશન સામગ્રીની જોગવાઈ વગર યોજના બનાવી હતી. ખર્ચની કોઈ જોગવાઈ ન હોવાથી મોટાભાગની શાળાઓમાં નાસ્તો બનતો ન હતો. આ યોજના સાથે સંકળાયેલી 68000 બહેનોને માત્ર રૂપિયા 2500 માનદ વેતન આપવામાં આવતું હતું અને રુ. 28000 સંચાલકને માત્ર રૂ.3000 માનદ વેતન આપવામાં આવતું હતું. આટલા મામૂલી વેતનમાં કોઈ કામ કરવા તૈયાર ન હોવાથી અમે સરકારને નાસ્તો બંધ કરવાની માંગણી મૂકી હતી. અમારી માંગણી સ્વીકાર કરવામાં આવી છે.