સુરત: શહેરમાં મેટ્રો બ્રિજનો સ્પાન અચાનક નમી ગયાની ઘટના સામે આવી હતી. સુરત શહેરના સારોલી નજીક મેટ્રો બ્રિજનો સ્પાન નમી જતાં પોલીસ અધિકારીઓ સાથે સુરતનું તંત્ર દોડતું થઇ ગયું હતું. હાલ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે લોકાર્પણ થાય એ પહેલાં જ મેટ્રો બ્રિજનો સ્પાન નમી જતાં બ્રિજની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. આગામી દિવસોમાં આ બાબતે વિરોધ પક્ષ શાસકોને ઘેરે તો નવાઈ નહી.
મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઇ ગયા: સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હાલ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. 2થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે. તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે.
સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ધાટન: સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રસ્તા ઉપર વાહોનોની અવરજવર બંધ: સારોલી પોલીસ સ્ટેશનના PI એસ.આર. વેકરીયાએ જણાવ્યું હતું કે, મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા હતા. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચા પણ રહી છે. અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહનચાલકોને મુશ્કેલીના થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છીએ.