સુરત : માંગરોળમાં પોલીસ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડ્યા કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ફરાર પાસાનો આરોપી આવ્યો હોવાની બાતમીને પગલે આરોપીને પકડવા પોલીસ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો હતો. જોકે પોલીસ સાથે કેટલાક લોકોએ ઝપાઝપી કરી હતી. પોલીસ આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને દબોચીને લઈ આવી હતી. ઉપરાંત કાર્યવાહીમાં અડચણ ઉભી કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પાસાનો ફરારા આરોપી : માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ગુનેગાર ઝાકીર જુમ્મા મુલતાની સામે માંગરોળ પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી ઝાકીર જુમ્મા મુલતાની ફરાર થઈ ગયો હતો. ઝંખવાવના મુલતાન વાડામાં પોતાના ઘરે ઝાકીર આવ્યો હોવાની બાતમી મળતા માંગરોળ PSI પઢીયાર પોલીસ બંદોબસ્ત સાથે આરોપી ઝાકીરને ઝડપી પાડવા માટે ગયા હતા.
પોલીસ સાથે ઝપાઝપી : આ દરમિયાન આરોપી ઝાકીર સહિત અન્ય ત્રણથી ચાર લોકોએ ઉશ્કેરાઈને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જોકે પોલીસે ઝાકીર જુમ્મા મુલતાનીને દબોચી લીધો હતો. ઝડપાયેલા પાસાનાં આરોપી ઝાકીર વિરુદ્ધ 21 વોરન્ટ તેમજ ભરૂચ અને નવસારી પોલીસ મથકે અલગ અલગ ગુનામાં વોન્ટેડ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઉપરાંત પોલીસ કાર્યવાહીમાં ખલેલ પાડનાર લોકો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ કાર્યવાહી : ઝંખવાવ પોલીસ મથકના PSI બી. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીને લેવા ગઈ ત્યારે કેટલાક ઈસમોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું અને ઝપાઝપી પણ કરી હતી. પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.