કચ્છ: કચ્છ પણ પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યું છે. ત્યારે હાલમાં જ વર્ષ 2001ના ભૂકંપમાં દિવંગત પામેલ લોકોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામેલ સ્મૃતિવનને વિશ્વના શ્રેષ્ઠ મ્યુઝીયમનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા પણ વર્લ્ડ હેરિટેજ તરીકે સામેલ થયું છે. તો કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાતા રણોત્સવમાં દેશ વિદેશના લાખો પ્રવાસીઓ ઉમટતા હોય છે.
કચ્છ યુનવર્સિટી દ્વારા શરૂ કરાયા નવા કોર્ષ: કચ્છનાં સ્થાનિક યુવાનો પ્રવાસન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી કચ્છમાં જ રોજગાર મેળવી શકે તે હેતુ સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલ દ્વારા નવા વર્ષથી નવા વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મેનેજમેન્ટ વિભાગમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ઉપરાંત આર્ટસ વિભાગમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રિશિયન, ડાઈટીશીયન, કોમ્પ્યુટર સાયન્સ, ફાઇન આર્ટ સહિતના વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.
ટુરિઝમ અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટ માટે કંઈ રીતે મેળવશો પ્રવેશ? કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડો. રૂપલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષથી નવા મેનેજમેન્ટના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ જેવા નવા કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડમિશન મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા સમાન બનાવાઈ છે. જેથી પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ફોર્મ ભરવાનું હોય છે. એડમિશન મેળવવા માટે આગામી 4 થી 6 જુલાઇ દરમ્યાન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ બન્ને કોર્ષ સ્કિલ બેઝ વોકેશનલ કોર્ષ હોવાથી યુનિવર્સિટી દ્વારા નવો વિભાગ બનાવવામાં આવ્યો છે.
ડિગ્રી માટે ક્યા કયા હશે વિકલ્પો? શું હશે ફી? ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્ષમાં ધો.12 પાસ અથવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ કોર્ષમાં અલગ અલગ વિકલ્પ પણ છે. જેમાં 1 વર્ષનો ડિપ્લોમા, 2 વર્ષનો એડવાન્સ ડિપ્લોમા અને 3 વર્ષનો ડિગ્રી કોર્ષ વિદ્યાર્થીઓ પસંદ કરી શકે છે. આ કોર્સમાં સેમેસ્ટર મુજબ 6000 રૂપિયા પ્રતિ સેમેસ્ટર ફી રહેશે. એટલે વર્ષની ફી 12000 રૂપિયા જેટલી રહેશે.
કંઈ રીતે કરાવવામાં આવશે અભ્યાસ?? ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્ષમાં 40 ટકા થીયરી અને 60 ટકા પ્રેક્ટિકલ અભ્યાસ રહેશે. જેમાં વિદ્યાર્થીઓને થિયરીકલની સાથે ફિલ્ડ વિઝીટ કરાવવામાં આવશે. ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કચ્છની અંદર મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે ભુજના સમૃતિવન અને રીજનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તક પણ મળશે. જેથી વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે જ પગભર થઈ શકશે.
પ્રવાસીઓને સારી મહેમાનગતિ મળે: કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે જણાવ્યું હતું કે, કચ્છના વિસ્તારને ધ્યાનમાં રાખીને કચ્છ ટુરીઝમ એ ખૂબ અગત્યનો આપણો એક ક્ષેત્ર કહી શકાય અને એક વિભાગ કહી શકાય. છેલ્લા 10 થી 12 વર્ષની અંદર કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. ત્યારે કચ્છની અંદર આવતા પ્રવાસીઓને સારી મહેમાનગતિ મળે તેના માટે લોકોને તાલીમ આપવી પણ જરૂરી છે, જે માટે કચ્છ યુનિવર્સિટીમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટનું કોર્સ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કચ્છની અંદર સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે, તેના માટે પણ કચ્છના નૃત્ય, કચ્છની કળાઓ, કચ્છના આર્ટ, કચ્છના જુદા જુદા હેન્ડીક્રાફ્ટ સબંધિત કોર્સ પણ શરૂ કરવામાં આવશે.