ભાવનગર : "નમામિ શિવ શંકરમ", હા ભાવનગર જિલ્લામાં જુદા જુદા અંતરે બે એક સમાન શિવલિંગ સ્થિતિ છે. જોકે બંને શિવલિંગની વિશેષતા પણ રસપ્રદ છે. સિદ્ધેશ્વર મહાદેવની પૂજા ચાર પગથિયાં ચડીને થાય છે, તો બુધેશ્વર મહાદેવની પૂજા ચાર પગથિયાં જમીનમાં ઉતરીને કરવામાં આવે છે. બંને સ્વયંભૂ શિવલિંગની સ્થાપનાનો કોઈ ઇતિહાસ નથી. વલભીનગરી પહેલાના આ બંને શિવલિંગ સાક્ષાત માનવામાં આવે છે. સાથે જ સિદ્ધેશ્વર મહાદેવના પોઠીયાની પણ અદભૂત ઘટના છે. ચાલો જાણીએ...
સિદ્ધેશ્વર અને બુધેશ્વર મહાદેવ : ભાવનગર જિલ્લાના વલભીપુર શહેરમાં આવેલા સિદ્ધેશ્વર અને બુધેશ્વર મહાદેવની સ્થાપના ક્યારે થઈ તેનો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના પૂજારી ગજેન્દ્રગીરીના કહેવા પ્રમાણે પહેલા પણ સિદ્ધેશ્વર અને બુધેશ્વર હતા. બંને શિવલિંગનું કદ અને આકાર એક સરખા છે. સિદ્ધેશ્વર અને બુધેશ્વર મહાદેવની પૂજા આજે પણ કરવામાં આવે છે. બંને શિવલિંગના આકાર ખૂબ મોટા છે. વલભીપુર સ્ટેટના વખતસિંહજી મહારાજના સમયમાં બંને શિવલિંગનો જીર્ણોદ્ધાર કરાયો હતો.
બંને મંદિરની રસપ્રદ વિશેષતા : વલભીપુરના સિદ્ધેશ્વર મહાદેવનું શિવલિંગ મહાકાય છે, ત્રણ ફૂટ કરતા વધુ ગોળાકારમાં પહોળું સિદ્ધેશ્વર મહાદેવના શિવલિંગને બાથમાં લેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિના બાથમાં આવી શકે નહીં. તેવી જ રીતે બુદ્ધેશ્વર મહાદેવનું પણ શિવલિંગ છે. વિશેષતા એ છે કે, સિદ્ધેશ્વર મહાદેવની પૂજા કરવા ચાર પગથિયાં ચડો ત્યારે પૂજા થાય થાય છે. જ્યારે બુદ્ધેશ્વર મહાદેવની પૂજા કરવા માટે જમીનમાં ચાર પગથિયાં નીચે ઉતરવા પડે છે, ત્યારબાદ તેની પૂજા અર્ચના થાય છે.
સ્વયંભૂ શિવલિંગ : સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી ગજેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે, આશરે 150 થી 200 વર્ષ પહેલા વલભીપુર સ્ટેટના રાજા વખતસિંહજી બાપુએ સમાનતા લાવવા માટે જમીનમાં ખોદકામ કરાવ્યું હતું. શિવલિંગનો છેડો શોધીને સમાન કરવાની કોશિશ કરી હતી. 21 ફૂટ કરતા વધુ ખોદકામ કર્યા બાદ પણ શિવલિંગનો છેડો નહીં મળતા અને ઝેરી જીવજંતુઓ તેમજ ઝેરી ભમરાઓ નીકળતા મહારાજાને બંને શિવલિંગને ફરી હતા તેમ કરવાની ફરજ પડી હતી. આથી આ શિવલિંગો અનાદિકાળથી હોવાનું કહેવામાં આવે છે, તેનો કોઈ ઇતિહાસ નથી.
સિદ્ધેશ્વર મહાદેવના પોઠીયાનું મહત્વ : સિદ્ધેશ્વર મહાદેવની સામે રાખવામાં આવેલ મહાકાય પોઠીયાના મોઢાની નીચે લાડવા જોવા મળે છે. તેના ઇતિહાસ વિશે મંદિરના પૂજારી ગજેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે, આશરે 150 થી 200 વર્ષ પહેલા મોગલોના રાજાએ વલ્લભીપુર સ્ટેટ પર ચડાઈ કરી હતી. તે સમયે જીવિત પોઠીયો સિદ્ધેશ્વર મહાદેવની સામે બેઠતો હતો. યુદ્ધ બાદ વલભીપુરના રાજાને કાળુભાર કહેવાતી નદીના તટમાં તે પોઠીયો મૃત હાલતમાં મળ્યો હતો. પરંતુ પોઠીયાનું માથું મળ્યું ન હતું. આથી શરીરનો ભાગ લાવીને મરી-મસાલા નાખી નવું પોઠીયાનું મુખ બનાવીને લડવાના ટેકે ફરી સિદ્ધેશ્વર મહાદેવની સામે સ્થાપિત કર્યો, તેમ લોકવાયકામાં કહેવાય છે.
બંને મંદિરમાં પૂજાની અનોખું મહત્વ : ભાવનગર જિલ્લાના વલભીપુરના સિધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે વિશેષ ફળ છે. પૂજારીઓનું કહેવું છે કે, સિદ્ધેશ્વર મહાદેવની પૂજા કરવાથી કોઈપણ વ્યક્તિ ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બુદ્ધેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિ બુદ્ધિ અને ચાતુર્ય પ્રાપ્ત કરે છે.
મંદિર સાથે જોડાયેલી લોકવાયકા : જોકે, લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, દર વર્ષે સિદ્ધેશ્વર મહાદેવમાં એક ચોખો શિવલિંગ બહાર આવે છે અને બુદ્ધેશ્વર મહાદેવમાં એક ચોખો શિવલિંગ જમીનમાં જાય છે. એવું પણ કહેવાતું હતું કે, બેમાંથી એક પણ શિવલિંગની પૂજા અર્ચના ન થઈ શકે ત્યારે સૃષ્ટિનો વિના સર્જાશે. આમ આ શિવલિંગ પૃથ્વી પરના સ્વયંભૂ અને પૌરાણિક શિવલિંગમાંથી એક છે.