ગાંધીનગર: ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને નોટિસ ફટકારીને અહેવાલ માંગવામાં આવ્યો છે. આ નોટિસમાં ગેમ ઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું હતી તેની પણ વિગતો માંગવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્ય માનવ અધિકાર પંચે પણ સરકારી તંત્ર પાસે માહિતી માંગી છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લા કલેકટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર, એસ.પી. ને રાજકોટ અગ્નિકાંડ જેવા બનાવો ન બને તે માટે શું કાર્યવાહી કરી છે અથવા શું કાર્યવાહી કરવાના છે તે અંગે આયોગે નોટિસ આપી છે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્ય માનવ અધિકાર પંચ પણ મેદાનમાં આવ્યું છે. પંચે દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક પાસે મંજૂરી અને ફાયર સેફટીના સાધનો વિના ધમધમતા ગેમ ઝોનનો અહેવાલ માંગ્યો છે.
આયોગ પંચ ડાયરેક્શન આપશે: ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના રજીસ્ટ્રાર ટી.વી. જોષીએ જણાવ્યું કે, ગત 27 તારીખે જે બનાવ બન્યો તે ખૂબ જ દુઃખદ છે. ઘટના બની ત્યારે જ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા બનાવની ગંભીરતા સ્વીકારી જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા માટે સુચનાઓ આપ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે નોટિસ કાઢીને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. તપાસ પંચના જે અહેવાલ આવશે તેના આધારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આયોગ ડાયરેક્શન આપશે.
સરકારના વિવિધ વિભાગો તપાસ કરી રહ્યા: રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાના કલેકટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર, એસ.પી. ને રાજકોટ અગ્નિકાંડ જેવા બનાવો ન બને તે માટે શું કાર્યવાહી કરી છે અથવા શું કાર્યવાહી કરવાના છે તે અંગે આયોગે નોટીસ આપી છે. ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયને પણ આવો બનાવ ન બને તે માટે શું શું તકેદારીના પગલાં લીધા કે લેવાના છે, તે વિગતવાર અહેવાલ આયોગ પંચ મંગાવશે. રાજકોટ અગ્નિકાંડ અંગે સરકારના વિવિધ વિભાગો તપાસ કરી રહ્યા છે. આ અહેવાલોનો અભ્યાસ માનવ અધિકાર આયોગ કરશે, તપાસમાં કોઈ ખામી નથી રહી તેનો અભ્યાસ આયોગ કરશે, આયોગનો મુખ્ય લક્ષ્યાંક રાજકોટ અગ્નિકાંડ માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો છે અને તમામ અહેવાલોનું આયોગ સમીક્ષા કરશે. કોઈ નિર્દોષ માણસ ન ફસાઈ જાય તે પણ આ યોગ ધ્યાન રાખશે.