નવી દિલ્હી : ચાર મહિના પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને દેશ છોડી ભાગી ગયેલા શેખ હસીનાએ પ્રથમ જાહેર સંબોધન કર્યું છે. આ દરમિયાન શેખ હસીનાએ દેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહાર કર્યા છે. સાથે જ તેમના પર "નરસંહાર" કરવાનો અને હિંદુઓ સહિત લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો છે.
હત્યા કરવાની યોજના થઈ રહી છે : હાલમાં ભારતમાં સ્થિત શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં પોતાના સમર્થકોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, 1975માં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. તેવી જ રીતે તેમની અને તેમની બહેન શેખ રેહાનાની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. યુનુસને 'સત્તાના ભૂખ્યા' ગણાવતા શેખ હસીનાએ આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશમાં પૂજા સ્થાનો પર હુમલા થઈ રહ્યા છે અને વર્તમાન સરકાર પરિસ્થિતિનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
રાજીનામા બાદ પ્રથમ જાહેર સંબોધન : શેખ હસીનાએ 16 ડિસેમ્બરે ઉજવવામાં આવતા 'બિજોય દિબોસ' અથવા વિજય દિવસના અવસર પર આયોજિત કાર્યક્રમમાં તેમની અવામી લીગ પાર્ટીના સમર્થકો સાથે વાત કરી હતી. જોકે, શેખ હસીનાએ છેલ્લા કેટલાક મહિનામાં અનેક નિવેદનો આપ્યા હોવા છતાં, બાંગ્લાદેશના ઘટનાક્રમને નજીકથી જોનારા નિષ્ણાતે કહ્યું કે, આશ્રય લીધા પછી આ તેમનું પ્રથમ જાહેર સંબોધન હતું.
સમગ્ર ઘટનાનો કર્યો પ્રથમવાર ખુલાસો : શેખ હસીનાએ કહ્યું કે, સશસ્ત્ર પ્રદર્શનકારીઓને ગણભવન (વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન) તરફ મોકલવામાં આવ્યા હતા. જો સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કર્યો હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. તે 25-30 મિનિટનો મામલો હતો અને તેમને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું કે, ગમે તે હોય ગોળીબાર ન કરશો.
યુનુસ પર કર્યો ગંભીર આક્ષેપ : શેખ હસીનાએ કહ્યું કે, તેમના પર નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, હકીકતમાં યુનુસે ખૂબ જ સમજી-વિચારીને નરસંહાર કર્યો હતો. આ હત્યાકાંડ પાછળ માસ્ટરમાઇન્ડ વિદ્યાર્થી સંયોજક અને યુનુસનો હાથ છે. પોતાના લગભગ એક કલાકના સંબોધનમાં હસીનાએ કહ્યું કે, ઢાકામાં વર્તમાન સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
બાંગ્લાદેશ હિંસા પર બોલ્યા પૂર્વ PM : શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન કોઈ પણ હિંદુ, બૌદ્ધ કે ઈસાઈને બક્ષવામાં આવ્યા નથી. અગિયાર ચર્ચ તોડી પાડવામાં આવ્યા, મંદિરો અને બૌદ્ધ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે હિંદુઓએ વિરોધ કર્યો ત્યારે ઈસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી. "શા માટે અલ્પસંખ્યકો પર આ અત્યાચાર થઈ રહ્યા છે? તેઓને ક્રૂર રીતે હેરાન કરી અને શા માટે તેમના પર હુમલા થઈ રહ્યા છે?"