કચ્છ: દશેરાના તહેવાર નિમિતે આજે ભુજ પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનવિધિમાં પોલીસ બેડાના હથિયારો જેવા રાયફલ, AK 47, થ્રી નોટ થ્રી , પિસ્તોલ વગેરે જેવા હથિયારોનું શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
આ વિધિમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ સુડા ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે જ પોલીસ દળમાં રહેલા ઘોડાઓને કંકુ તિલક કરી ગોળ ખવડાવી પૂજન વિધિ કરવામાં આવી હતી. મહાભારત કાળમાં ક્ષત્રિયોએ લોકોના રક્ષણ માટે શસ્ત્રો ઉપાડ્યા હતા.
પોલીસે શસ્ત્ર અને અશ્વ પૂજન કર્યું: પશ્ચિમ કચ્છ SP વિકાસ સુડાએ કચ્છની પ્રજાને વિજયાદશમીની શુભકામના પાઠવી હતી. પશ્ચિમ કચ્છમાં નવરાત્રીનો તહેવાર પ્રજાના સાથ સહકારથી અને પોલીસના અથાગ પરિશ્રમથી કોઈ પણ અનિચ્છનિય ઘટનાઓ વગર શાંતિપૂર્ણ પૂર્ણ થયો છે. આજે વિજયાદશમીના પાવન પર્વ પર પરંપરા મુજબ ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સાંકેતિક મહત્વ એ છે કે, આ શસ્ત્રોનો ઉપયોગ સુનિશ્ચિત થાય અને વૈશ્વિક શાંતિ તરફ આપણે સાથે આગળ વધીએ.પોલીસ પરિવાર હંમેશા લોકોની મદદ અને સેવા માટે તત્પર છે.
આસુરી તત્વો સામે વિજય થાય તે વિજ્યાદશમી: આજે કળયુગમાં લોકોનું રક્ષણ પોલીસ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલા શસ્ત્રોનો ઉપયોગ આસુરી તત્વો સામે થાય નિર્દોષ લોકોને ઇજા ન પહોંચે કે જીવ ન જાય તેમજ જીલ્લામાં શાંતિ જળવાઈ રહે અને આસુરી તત્વો સામે વિજય થાય તે માટે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સમાજમાં અશાંતિ ફેલાવતા આસુરી તત્વો નાશ કરવા માટે ભગવાન પોલીસને શક્તિ આપે તેવી આજના દશેરાના દિવસે પોલીસ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: