મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા થોડા દિવસોથી નીલગાયનો શિકાર થતો હોવાની શંકાને પગલે વન વિભાગે વોચ ગોઠવી હતી. આ દરમિયાન નીલગાયનો શિકાર કરનાર કુલ સાત ઇસમોને ઝડપી લઈને રુ. 21.90 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીલગાયનો શિકાર : મોરબી વન વિભાગની ટીમ લક્ષ્મીનગર ગામની સીમમાં વન વિસ્તારમાં નીલગાયનો શિકાર થતો હોવાની આશંકાને પગલે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ફાયરિંગનો અવાજ થતાં તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં એક નીલગાયના શરીરના અવશેષો સાથે ચાર ઈસમો ઝડપાયા હતા. બાદમાં વધુ તપાસ કરતાં વધુ એક નીલગાયના શરીરના અવશેષો મળી આવતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.
સાત શિકારી ઝડપાયા : મોરબી વન વિભાગની ટીમ દ્વારા કુલ સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં મોરબીના વીસીપરાના રહેવાસી આરોપી રમઝાન ઇશાક સામતાણી, સિરાજ ઇશાક સામતાણી, મન્સુર ઇશાક સામતાણી, ઈબ્રાહીમ હાસમ કટિયા અને આશીફ મામદ માણેક તથા ભોડી વાંઢ કાજેડા રોડના રહેવાસી અબ્બાસ દાઉદ માણેક અને ઇશાક ફતેમામદ કટિયાનો સમાવેશ થાય છે.
21.90 લાખનો મુદામાલ જપ્ત : વન વિભાગની ટીમે ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર, સ્વીફ્ટ કાર, મહિન્દ્રા બોલેરો પીકઅપ યુટીલીટી તેમજ 1 બાઈક, 1 હોન્ડા એકટીવા, બાર બોર બંદુક સહિત કુલ રૂ 21.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા 2022 ની કલમ-2 (16), 2 (20), 2 (32), 2(36), 9, 39, 50 અને 51 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
વન વિભાગની કાર્યવાહી : આરોપીઓ પાસેથી દરેક વ્યક્તિ દીઠ રૂ 1 લાખ લેખે સાત આરોપીના 7 લાખની એડવાન્સ રિકવરી પેટે વસુલાત કરવામાં આવી છે. આ કામગીરીમાં મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.સી. જાડેજા, વનપાલ કાલીકાનગર કે.એમ. જાંબુચા, મોરબી વનપાલ એમ.કે. પંડિત અને મોરબી વનરક્ષક એન.એલ. દૂધરેજિયા સહિતની ટીમ જોડાયેલ હતી.