ભાવનગર : રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં યોજવામાં આવે છે. ભાવનગરની રથયાત્રા એક મહિના પૂર્વે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તૈયારી આદરી દેવામાં આવતી હોય છે. ભાવનગર શહેરમાં રોજ રાત્રી અને દિવસ દરમિયાન પેટ્રોલિંગ અને ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. ભાવનગર પોલીસે બે દિવસની કામગીરીને રજૂ કરી હતી.
રથયાત્રા સંદર્ભે સુરક્ષા તૈયારી : ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજી રથયાત્રા સંદર્ભે પોલીસે સુરક્ષા તૈયારી શરૂ કરી દીધી છે. ભાવનગરમાં 17 કિલોમીટરના રૂટ ઉપર ફલોટ સહિતના વાહનો સાથે અઢી કિમી લાંબી રથયાત્રા નીકળે છે. શહેરમાં DSP અને DYSPની હાજરીમાં નાઈટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને રથયાત્રા રુટના સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કરચલીયાપરા, હલુરીયા ચોક, બાર્ટન લાઈબ્રેરી, ખારગેટ અને મુખ્ય વોરા બજારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.
પોલીસ કાફલા સાથે નાઈટ પેટ્રોલિંગ : ભાવનગર પોલીસે બે દિવસ અને રાત્રી દરમિયાન કરેલી પેટ્રોલિંગ અને ડ્રાઈવની કાર્યવાહી રજૂ કરી હતી. ભાવનગર DSP ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, ભાવનગર શહેરમાં બે દિવસ રાત્રી અને દિવસે પેટ્રોલિંગ અને ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પ્રોહિબિશનના કેસ 90, અડચણરૂપ વાહનોના 12, MV એકટ 207 ના 150 કેસ, MV એક્ટ 185ના 6 કેસ, રોકડ દંડ 61,400, MV એક્ટ NC કેસ 160, GP એક્ટ 135 કેસ 28, NDPS 1 અને જુગારના 1 કેસનો સમાવેશ થાય છે.
કાયદાનો ભંગ કરનારની ખેર નથી : ભાવનગર પોલીસે રાત્રી દરમિયાન મોડે સુધી દુકાનો કે લારી ખુલ્લી ન રહે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાત્રી દરમિયાન 11 કલાક બાદ બજારમાં પેટ્રોલિંગ કરીને મોડે સુધી પાસ પરમીટ વગરની દુકાનો બંધ કરાવી હતી. ઉપરાંત વાહનોમાં ફરતા અને લાકડી, ધોકા, પાઇપ કે અન્ય હથિયાર સાથે ફરતા લોકોને પણ ઝડપી લીધા હતા. બે દિવસથી DSP અને DYSP ની હાજરીમાં ચાલતા કડક ચેકીંગથી કારણ વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.