અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી શાળાઓ અને કોલેજો મન ફાવે તેવી ફી વસૂલતી હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું ત્યારે આજરોજ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા આને ડામવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તેમણે એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફીથી વધારે ફીની વસુલી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ પરિપત્રમાં શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે. હવે જોવું રહ્યું કે આવી શાળાઓ સામે ક્યારે અને કેવી એક્સન્સ લેવામાં આવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી જણાવે છે કે, એફઆરસીએ સ્કૂલની નક્કી કરેલો ફીનો ઓર્ડર શાળાઓએ ફરજિયાત નોટિસ બોર્ડ પર મૂકવાનો હોય છે પરંતુ કેટલીક સ્કૂલ દ્વારા નિયમ હોવા છતાં નોટિસ બોર્ડ ઉપર અને વેબસાઈટ પર ઓર્ડર મૂકવામાં આવતો નથી. જેને લઇને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એફઆરસીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર ના મૂકનાર સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવાની કાર્યવાહી થશે.
ફીનો ઓર્ડરનું અને શરતોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તમામ ખાનગી શાળાઓના સંચાલકો અને આચાર્યને જણાવ્યું છે કે શાળાઓએ ફ્રી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદ ઝોનની ફી મંજૂર કરાવાઈ છે. જેમાં સ્કૂલને મળેલા ફીનો ઓર્ડરનું અને શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ચાલુ વર્ષની જે ફી લેવામાં આવતી હોય તે એફઆરસીના ઓર્ડરની કોપી વિદ્યાર્થી અને વાલીઓ જોઇ શકે તે મૂજબ સ્કૂલના બહાર નોટિસ બોર્ડ અને સ્કૂલની વેબસાઈટ પર ફરજિયાત મુકવા જણાવ્યું હતું, પરંતુ કેટલીક શાળાઓ નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર એફઆરસીનો ઓર્ડર મુકતી નથી. જેથી તમામ શાળાઓએ ફરજિયાત એફઆરસીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂકવાનો રહેશે અને તેનો ફોટો બીટ મદદનીશ શિક્ષણ નિરીક્ષકને મોકલી આપવાનો રહેશે.
નિયમનું પાલન ન કરનાર સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે
આ પરિપત્ર કરવાનો ઉદ્દેશ એ છે કે, અનેક ખાનગી શાળાઓ દ્વારા એફઆરસીના ઓર્ડર નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર મૂકવામાં આવતો નથી. જેના કારણે વાલીઓને ખરેખરમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની કેટલી ફી મંજૂર કરવામાં આવી છે તે અંગે જાણકારી રહેતી નથી. જેથી વાલીઓ પોતાના બાળકની મંજૂર થયેલી ફી જોઇ શકે તથા સ્કૂલ દ્વારા વધારાની ફી ના લેવાય તે માટેનો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન સ્કૂલ આ નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે.
વાલીઓ સીધી ફરિયાદ કરી શકશે
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ વધુ માટે પણ જણાવ્યું હતું કે જે શાળાઓ આ નિયમોનું પાલન નથી કરતી તે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગનું ધ્યાન દોરી શકે છે અને શિક્ષણ વિભાગ દ્વારા એ શાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.