સુરત: જિલ્લામાં ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ ગયું છે. અને શાળાઓ ખૂલી ગઈ છે. આથી વાલીઓ પણ સવારે સવારે તેમના બાળકોને શાળાએ મૂકવા માટે રવાના થાય છે. પરંતુ વાલીઓના આઅ કામમાં મુશ્કેલીઓ આવી રહી છે. કારણકે સ્કૂલ વાહનના એસોસિએશને હડતલનો નિર્ણય લીધો છે.
સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય: આમ સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કેટલીક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે એસોસિએશન નિર્ણય લઈ હડતાળ પર છે. જેથી સુરતમાં વાહનો ઉપલબ્ધ ન હોવાને પરિણામે આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા. આથી નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ રૂપિયા 200નો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વાલીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વાહનો ઉપલબ્ધ નથી તેથી ખૂબ મુશ્કેલી થાય છે: સુરતમાં સ્કૂલ પર બાળકને મૂકવા આવેલ વાલી સતીશ ભાઈએ જણાવ્યું હતું કે, "સવારે એક બાજુ નોકરી - ધંધે જવાનું હોય અને હાલ હડતાળના કારણે બાળકોને શાળાએ છોડવા જવું પડે છે. જેને લઇને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે."