જૂનાગઢ : સનાતન ધર્મ સંસ્કૃતિના દરેક તહેવારો અને ઉત્સવોને વિશેષ સમય આપવા પાછળ ખાસ હેતુ અને કારણો રહેલા છે. જેમ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા-દર્શન અને અભિષેકનું મહત્વ ધર્મ ગ્રંથોમાં આલેખવામાં આપ્યું છે. તે મુજબ માઘ મહિનાનું પણ અનેરું મહત્વ છે. સમગ્ર માઘ મહિના દરમિયાન પવિત્ર નદી, સમુદ્ર, સરોવર, ઘાટ, તળાવ અથવા ચંદ્રના અજવાળે મૂકેલા મટકામાં ભરેલા પાણીથી સ્નાન કરવાને ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે.
માઘ માસનું પવિત્ર સ્નાન : માઘ માસમાં આ વિશેષ માઘ સ્નાનનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અને હેતુ રહેલા છે. જેને અનુસરતા આજે પોષ સુદ પૂર્ણિમાના પાવન અવસરે જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા શીતળ જળથી વહેલી સવારે સ્નાન કરીને પવિત્ર માઘ પૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને પવિત્ર સ્નાન સાથે ઉજવણી કરી હતી. જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં બરફ જેવા પાણીથી સ્નાન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.
પુણ્યશાળી માઘ સ્નાન : સનાતન ધર્મ સંસ્કૃતિમાં જે રીતે મહાકુંભ દરમિયાન પવિત્ર સ્નાનને પુણ્યશાળી માનવામાં આવે છે. તેવી જ રીતે સમગ્ર માઘ મહિના દરમિયાન કરવામાં આવતા સ્નાનને પણ અતિ પુણ્યશાળી ફળ આપનાર માનવામાં આવે છે. આ એક દિવસ સમુદ્રમાં સ્નાન કરવાથી સમગ્ર મહિના દરમિયાન સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે પવિત્ર નદી અને સરોવરમાં સ્નાન કરવાથી માઘ મહિનાના 15 દિવસ સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનો ઉલ્લેખ સનાતન ધર્મના ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. આજે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓએ પવિત્ર માઘ પૂર્ણિમાના પાવન અવસરે માઘ સ્નાન પૂર્ણ કર્યું હતું.
માઘ સ્નાનનું વૈજ્ઞાનિક મહત્વ : સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન કરવાથી પ્રત્યેક ધાર્મિક આસ્થા ધરાવતા વ્યક્તિને ખૂબ સારી તંદુરસ્તી મળતું હોવાનું આરોગ્ય સાથે જોડાયેલું વિજ્ઞાન પણ માની રહ્યું છે. કડકડતી ઠંડીમાં ચંદ્રના અજવાળે શીતળ થયેલા જળથી સ્નાન કરનાર પ્રત્યેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. જેને કારણે માઘ સ્નાન કરેલ વ્યક્તિ તંદુરસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બને છે. વધુમાં શીતળ જળથી સ્નાન કરવાથી શરીરની આંતરિક શક્તિમાં પણ વધારો થાય છે, જે કોઈ પણ રોગ સામે લડવા માટે આંતરિક શક્તિ પૂરી પાડે છે. આમ માઘ મહિનામાં કરવામાં આવતા સ્નાનને ધાર્મિક પરંપરા સાથે સાથે તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપકારક માનવામાં આવે છે.